સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યુવાદિનની ઉજવણી

0
13

નિમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર- ચાણસ્મા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્માના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને એન.સી.સી.યુનિટના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યુવાદિનની ઊજવણી પ્રસંગે સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલનું સ્વામી વિવેકાનંદ : હિંદુત્વના અગ્રદૂત વિષય પર વ્યાખ્યાન, ઓનલાઈન કવીઝ સ્પર્ધા, સ્વામીજીના જીવન અને કવન પરના સાહિત્યનું પુસ્તક પ્રદર્શન અને કોલેજની વિદ્યાર્થીની ધ્રુવલ એન.વ્યાસનું યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ વિષય પર વક્તૃત્વ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

કાર્યક્રમના મુખ્યવક્તા ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે 12 જાન્યુઆરી ભારતના યુગ પુરુષ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. કેટલાંક નામ ભારતના ઇતિહાસ સાથે જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડાઈ ગયાં છે. તેમાંનું એક નામ એટલે સ્વામી વિવેકાનંદ. તેમની વિદાયને લગભગ 150 વર્ષ થવા આવ્યાં છતાં આજે પણ સ્વામી વિવેકાનંદનું નામ પ્રત્યેક ભારતીયના મનમાં ઊર્મિ,સન્માન અને ભક્તિના વમળો જગાવે છે.સૌથી વિશેષ આનંદની વાત તો એ છે કે તે યુવાનોના મનના પણ હીરો છે.તેમનાં ચિત્રો,વિચારો, પૂર્તિઓ…યુવાનોને પણ પ્રેરિત કરે છે. યુવાનોની પેઢીઓની પેઢીઓ બદલાતી ગઈ,પરંતુ તેમનો વિવેકાનંદ પ્રત્યેનો ભક્તિભાવ ઓસરતો નથી. સ્વામીજીની આભા આજે પણ સમગ્ર ભારતમાં છવાયેલી છે અને તે ભારતનું એક મહત્ત્વનું સુરક્ષાચક્ર છે.ભારતના ઘણા મહાપુરુષો એવા છે જે વિવાદમુક્ત નથી.મોટા ભાગના મહાપુરુષો માટે કમ સે કમ કોઈ એક વાત વિવાદાસ્પદ રહી છે, કોઈ એક વર્ગના લોકોને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રહ્યો છે. પરંતુ જેમની પ્રતિભા વિવાદોથી સંપૂર્ણ મુક્ત હોય તેવા યુગપુરુષોની હરોળમાં સ્વામીજીનું નામ આવે. સ્વામીજીનો સંદેશ
શાશ્વત સત્યો પર આધારિત હોવા છતાં તે નિત્યનૂતન છે.તેમના શબ્દો આજની સમસ્યા માટે બોલાયા હોય તેમ કોઈને પણ લાગે.કેટલીક વાર મનમાં પ્રશ્નો ઊઠ્યા કરે છે કે સ્વામીજી પ્રત્યે ભક્તિભાવ હોવા છતાં,આંખો બંધ કર્યા પછી પણ સ્વામીજીનો તેજસ્વી ચહેરો પ્રગટ થતો હોવા છતાં, તેમના શબ્દો અવતરણો રૂપે કાનમાં ગુંજતા હોવા છતાં આપણે તેમને સાચા અર્થમાં સમજી શક્યા છીએ ખરા ? તેમનો સંદેશ શાશ્વત હોવા છતાં સમાજ અધઃપતનને માર્ગે જતો કેમ જણાય છે ? ઉત્તરો તાત્કાલિક મળે તેમ નથી છતાં એક ઉત્તર નક્કી છે-તેમને સમજતા રહેવું, તેમને હૃદયમાં-બુદ્ધિ માં ઉતારતા રહેવું,ખાસ કરીને યુવાનોએ.સ્વામી વિવેકાનંદના જીવન અને કવન પર ઓનલાઈન કવીઝ સ્પર્ધામાં આબેદખાન સોલંકી પ્રથમ,આરતી ઠાકોર દ્વિતીય અને સાહિલ રાવલ તૃતીય ક્રમે વિજેતા બન્યાં.આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ડો.રોહિતકુમાર એન. દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે આજની મોટામાં મોટી મુસીબત એ છે કે લોકો સામે ખાસ કરીને યુવાનો સામે સાચું અને સારું નેતૃત્વ નથી. યુવકો તો હંમેશા નિર્દોષ, પારદર્શક અને કોરી સ્લેટ જેવા છે.તેઓની ગ્રહણશક્તિ ખૂબ જ સતેજ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમણે કોના ગુણો ગ્રહણ કરવા ? ગુણો ગ્રહણ કરવા તેમની સામે ગુણવાન લોકો તો હોવા જોઈએ ને ! ૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે લોકો સામે સમર્થ આદર્શો હતા; સ્વતંત્રતાની લડત સમયે આદર્શ હતા…તેવા આદર્શ આજે કેટલાંક સંગઠનો અને તેના કાર્યકર્તાઓને બાદ કરતાં ક્યાં છે ? સાચા આદર્શો તો લોકોની સામે આવતા જ નથી.આજે તો કૌભાંડીઓ, માફિયાઓ,ભ્રષ્ટાચારીઓ મીડિયામાં ચમકતા હોય છે.યુવાનો તો બિચારા એમ જ સમજે છે કે સિનેમાના કલાકારો અને ક્રિકેટરો જ તેમના હીરો છે.તેમાં પણ હવે વિલન, હીરો બનવા માંડ્યા છે,તેથી જેને કાંઈ સારું કરવું છે તેવા ઘણા યુવકો મુંઝવણમાં છે. સ્વામીજીનું જીવન, સ્વામીજીનું સાહિત્ય, સ્વામીજીની વાતો આવો આદર્શ પણ પૂરો પાડી શકે છે. સ્વામીજીના જન્મદિને તેમને યાદ કરવા એ કોઈ નીરસ કર્મકાંડ નથી,એ કોઇ ફેશન નથી,એ કોઇ ટીકમાર્ક કરવાની ઘટના નથી.એ સમયની માંગ છે. સ્વામીજીને આજે સમજવામાં જ શાણપણ રહેલું છે.તેમના કાર્ય પર સંશોધન થવું જોઈએ. સ્વામીજીના વિશે બોલવું એ જૂનવાણી નથી,મોડર્ન માણસ સ્વામીજીની ભાષા નહીં બોલે તો તે ભુંસાઈ જશે.જેમ કૃષ્ણની ગીતા શાશ્વત છે તેમ સ્વામીજી શાશ્વત છે.આપણે એ વાત જેટલી વહેલા સમજીએ તેમાં જ આપણું કલ્યાણ છે.આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.આર.એન. દેસાઈ, IQAC ના કો- ઓર્ડીનેટર પ્રા.કે.એસ. દવે, કાર્યક્રમના મુખ્યવક્તા અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જે.વી.પટેલ,
એન.સી.સી.ના લેફ્ટનન્ટ ડો.એચ.એસ.મૂળાણી, એન.સી.સી.CTO ડો.ધરતીબેન એચ.ગજ્જર, અધ્યાપકશ્રીઓ અને કોલેજના સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડો.વીણાબેન એસ.રાજે અને આભારવિધિ ગૃહવિજ્ઞાન વિભાગના આસી.પ્રોફેસર ડો.રચના બેન એમ.વર્માએ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here