સીંગવડના નાના આંબલીયા ગામ ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

0
11

દાહોદ, તા. ૩૦ : સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામનાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે ૫૪ મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવરાત્રી રાસ ગરબા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.


દંડક શ્રી કટારાએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ-યુવાનો આવી સ્પર્ધાઓમાં ભાગ લઇને પોતાના રસના વિષયમાં નવી ક્ષિતિજોને સર કરી શકે છે. વિદ્યાર્થીઓ નાની વયથી જ પોતાના રસના વિષયમાં પારંગતતા હાંસલ કરવાનું લક્ષ રાખીને આગળ વધે. રાજ્ય સરકાર દ્વારા તેમના વિકાસ માટે જરૂરી તમામ સહાયતા અપાઇ રહી છે.
યુવા મહોત્સવમાં સંબોધન કરતાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારત, નયા ભારતના લક્ષ સાથે યુવાનો-વિદ્યાર્થીઓના ઉન્નત ભવિષ્ય માટે પ્રયાસરત છે. આપણા આદિવાસી વિદ્યાર્થીઓ-યુવાનોમાં અનેક સુષુપ્ત શક્તિઓ પડેલી છે. જે આવા કાર્યક્રમો થકી દીપી ઉઠે છે. પ્રધાનમંત્રીશ્રીએ યુવાનોના વિકાસ માટે અનેક યોજનાઓ અને મહત્વનાં પગલાઓ લીધા છે ત્યારે યુવાનોએ પણ દેશનાં વિકાસ માટે પોતાની તમામ શક્તિઓને લગાવી દેવી જોઇએ.
૫૪માં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉમંગ સાથે ભાગ લીધો હતો.
આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ સુ શ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, સરદાર પટેલ વિદ્યાલયના સંસ્થાપક સુશ્રી કંચનબેન ભાભોર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલ્લભાઇ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી કાંતાબેન, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here