હિંમતનગર, તા.10 01 2022
તસ્વીર : સતીષ ભટ્ટ

જિલ્લાના ૬૩૮ ગામોની સંપૂર્ણ કોરોના રસીકરણ કરી સુરક્ષિત
સાબરકાંઠા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોરની અધ્યક્ષતામાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટેની તૈયારીની સમિક્ષા બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની અસરો દેખાઇ રહી છે ત્યારે જિલ્લાની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્ય વિભાગ સતત ૨૪ કલાક આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી અત્યાર સુધીમાં ૧૮ વર્ષના ૯૨.૨૨ ટકા નાગરીકોને પહેલો ડોઝ અને ૯૫.૧૮ ટ્કા નાગરિકોને કોરોના રસીના બંન્ને ડોઝથી સુરક્ષિત કરાયા છે. સાબરકાંઠાના ૬૩૮ ગામોની સંપૂર્ણ કોરોના રસીકરણ કરી સુરક્ષિત કરાયા છે.આ સાથે જિલ્લાના ૧૫થી૧૮ વર્ષના ૭૧ ટકાથી વધુ તરૂણોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા આરોગ્ય વિભાગ પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે.
આ સાથ કોરોનાની સંભવીત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે જિલ્લામાં ૧૩ જેટલા ઓક્સિજન પ્લાન્ટ અને ૨૩૬ જેટલો ઓક્સિજન કોન્સનટ્રેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લાની મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોના મળી જિલ્લામાં બાળકો માટે ૬૦ જેટલા બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨૦૪૪ બેડની સુવિધા જેમાં ૧૪૭ આઇ.સી.યુ બેડ તથા ૮૧ જેટલા બેડમાં વેન્ટીલેટર સાથેની સુવિધા છે.
આ બેઠકમાં જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ ટેસ્ટીંગ વધારવા અને કોન્ટેકટ્રેસિંગ પર વધુ સતર્ક રહી કોરોના સંક્ર્મણને ફેલાતુ આટકાવવા માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ પ્રિકોશનલ ડોઝ અંગે માહિતી મેળવી જિલ્લા આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, મેડિકલ કોલેજ સુપ્રિટેન્ડેટશ્રી તેમજ અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા.