શહેરીજનો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ૬૬ પાલિકાઓમાં ૬૬ સિટી સિવિક સેન્ટરો શરુ થશે

0
0

જીએનએ ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.અને તેથી જ રાજ્ય સરકાર વધુમાં વધુ સિટી સિવિક સેન્ટરો શરુ કરી લોકોનું જીવન સરળ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે. તદ્અનુસાર, રાજ્ય સરકાર લોકોની ઈઝ ઑફ લિવિંગને સુદૃઢ બનાવવા માટે માત્ર મોટા શહેરો જ નહિં, પણ નાના શહેરોમાં પણ કામગીરી કરી રહી છે અને તેના માટે ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્યની ૬૬ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના શહેરોમાં શરુ થનારા આ સિટી સિવિક સેન્ટરો માટે સરકારે રૂ. ૩૩ કરોડની ફાળવણી કરી છે.


નોંધનીય છે કે ગુજરાતમાં ૧૫૭ નગરપાલિકાઓ છે કે જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર ખોલવા માટે સહાય અપાય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યની ૨૨ નગરપાલિકાઓમાં ૨૨ સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા હતા અને હવે વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં ૬૬ સિટી સિવિક સેન્ટરો શરુ થશે કે જેથી રાજ્યની નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોની સંખ્યા વધીને ૮૮ થઈ જશે.
રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તો મોટાભાગે શહેરીજનોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે અને તે જરૂરિયાતને જોતા રાજ્ય સરકાર નાના શહેરોમાં પણ એક પછી એક સિટી સિવિક સેન્ટર શરુ કરી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી એક સાથે ૨૧ સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું.

શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૩ કરોડના ખર્ચે ૬૬ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે.

આ મંજૂર કરાયેલા ૬૬ સિટી સિવિક સેન્ટરોમાં અ વર્ગની નગરપાલિકાઓમાં ૨૨, બ વર્ગની નગરપાલિકાઓમાં ૩૦ તેમજ ક વર્ગની નગરપાલિકાઓમાં ૧૪ સિટી સિવિક સેન્ટરો શરુ કરવામાં આવશે.
નાગરિકોને મહાનગરપાલિકા કે નગરપાલિકાને લગતી તમામ સેવાઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર તૈયાર કરવામાં આવે છે. સિટી સિવિક સેન્ટરમાં શહેરીજનો મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હૉલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી મહાનગર પાલિકાઓ-નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઑનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શૉપ તરીકે કામ કરે છે.

ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યની નગરપાલિકાઓમાં સ્થપાયેલ સિટી સિવિક સેન્ટરોની ૫૦ હજારથી વધુ શહેરીજનોએ મુલાકાત લીધી અને તેમને એક જ સ્થળેથી જુદી-જુદી સેવાઓનો લાભ પણ પ્રાપ્ત થયો છે. તદ્અનુસાર સિટી સિવિક સેન્ટરો મારફતે શહેરીજનોના વ્યવસાય વેરાના ૨૨૯૩, શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેંટને લગતા ૨૨૬, લગ્ન નોંધણીને લગતા ૨૧૩૮, મિલકત વેરાને લગતા ૪૨૯૫૫ કામો એક જ છત હેઠળ થયા છે.
નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં લઘુત્તમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે અને આ ધ્યેયને સાકાર કરવા માટે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરો બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here