વૃક્ષોનુ નિકંદન કાઢવામાં તારની ફેન્શીગ વાડની ભૂમિકા વધારે”સરકારી યોજના,પરિપત્રોમાં સુધારા જરૂરી

0
13

**

       પર્યાવરણ ની આંગળી પકડીને આગળ વધેલા માનવી એજ સૌથી વધારે મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઉભી કરી છે. પોતાના નીજી સ્વાર્થ ખાતર આડેધડ જંગલો,ખેતરોના વૃક્ષો કાપીને ધરતીની હરિયાળી સંપતિને હણી નાખી છે. જેના કારણે વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નો ઉદભવ્યા છે. જેવા કે આબોહવા પરિવર્તન,ગ્લોબલ વોર્મિગ,ગ્રીન હાઉસ ઈફેક્ટ,લુપ્ત થતી જીવ સૃષ્ટિના કારણે પર્યાવરણમાં પણ મોટા ફેરફારો થવા લાગ્યા છે. અને આ બધા ફેરફારોની મોટી અસર માનવ સવાસ્થ્ય પર થવા લાગી છે,
        સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં સંકટના ઘણા મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. આ કોરોનાએ પુરા દેશમાં કહેર મચાવ્યો છે. ત્યારે એક ઓક્સિજન બોટલ માટે માણસ લાચાર અને પાંગળો બની ગયો ઓક્સિજન બોટલ માટે ઠેર ઠેર દોડી રહ્યો હતો. કેટલાક લોકોએ ઓક્સિજન વગર જીવ પણ ગુમાવ્યા છે. આ જીવ ગુમાવનાર વ્યક્તિઓના સ્વજનોને અને ઓક્સિજનની બોટલથી સ્વસ્થ થયેલ દરેક વ્યક્તિએ ૫-૫ વૃક્ષો વાવી ને જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃક્ષોનો ઉછેર કરવો અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ. જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફત બહાર પાડી મુકવામાં આવી છે. જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ હશે પણ પર્યાવરણ માટે ખતરાની ઘંટડી સમાન છે. કારણકે આ યોજના થી પર્યાવરણ ને બહુ મોટું નુકસાન થયું છે. ખેડૂત પોતાના ખેતરના શેઢે આવેલા વર્ષો જુના મોટા તોતિંગ વૃક્ષો કાપીને  એના બદલે તારની વાડ કરી રહ્યા છે. થોર ની વાડ અને કાંટાળી વાડ માં કેટલાય જીવ જંતુ પક્ષીઓ પોતાનો વસવાટ કરી રહ્યા હતા. અને કેટલીયે પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિય વેલો થતી હતી. જે ફેન્સીગ તારની વાડ થવાથી લુપ્ત થઈ રહી છે ૨૦૦૫ માં શરુ થયેલ યોજના પછી જો વૃક્ષોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો સતત વૃક્ષોમાં ઘટાડો નોધાઈ રહ્યો છે.
            કેટલાય પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે વૃક્ષો કપાઈ ને જયારે ટ્રેક્ટરો ભરીને જતા હોય છે. ત્યારે વૃક્ષો ક્યાંથી કાપ્યા છે એવો સવાલ કરતા લીલા વૃક્ષોનો કાળો કારોબાર કરતો વ્યક્તિ સ્થાનિક રાજકારણી કે ધારાસભ્યોને ફોન કરીને પર્યાવરણ પ્રેમીઓનું મનોબળ તોડવામાં આવે છે, ક્યારેક સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કહેવામાં આવે છે. કે અમે ફક્ત રોડ પર વૃક્ષો કપાતા હોય્ તો જ રોકી શકીએ ખેડૂતની માલિકી પર આવેલા વૃક્ષો કોલસા બનાવવા માટે પરમીટ માંથી વૃક્ષો કાપવાના નિયમન / નિયત્રણમાંથી મુક્તિ આપે છે. ૨૭/૦૩/૨૦૦૮ થી વૃક્ષોની ૮૬ પ્રજાતિઓના વૃક્ષોને કાપવા માટે છૂટ આપેલ છે, જેમાં લીમડો ,અને રૂખડો જેવા વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. તો ખાસ કરીને ઉતર ગુજરાતમાં લીમડાનું નિકંદન વધારે નીકળી રહ્યું છે. જો આવી પરિસ્થિતિ રહેશે તો લીમડો વૃક્ષ પણ લુપ્ત થઇ જશે. તો સરકારશ્રીના ઉપરોક્ત પરિપત્ર માંથી લીમડો અને રૂખડો વૃક્ષ કાપવા માટે પ્રતિબંધ મુકાય તેવી દરેક પર્યાવરણ પ્રેમી લોકોએ રજૂઆત કરવી પડે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ”વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’

રોજિંદા જીવનમાં થોડો સમય પણ પર્યાવરણ માટે સવેદનશીલ બનીયેતો  તોપણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય…….
તા.૦૪/૦૬/૨૦૨૧                                                                 નારણ રાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here