વિજ બીલની ત્રણ કરોડથી વધુની રકમ ભરપાઈ ન કરતા હારીજ પાલિકા નું વિજ જોડાણ કપાયું..

0
11

હારીજ નગરપાલિકા ના અણધડ વહિવટી ને કારણે શહેરીજનો ભોગવવી પડતી હાલાકીઓ..

શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અને વિજ બીલની બાકી રકમ ભરપાઈ કરવા માંગ ઉઠી…

પાટણ તા.૨૪
વેપારી મથક હારિજમાં નગરપાલિકાની નિષ્ક્રીયતાને લઈને વેપારી સહિત શહેરીજનો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ નગરપાલિકા દ્વારા વિદ્યુત બોર્ડ ની અંદાજે રૂપિયા ૩ કરોડથી વધુની રકમ ના બાકી બીલો ભરપાઈ ન કરતા જીબીઈ તંત્ર દ્વારા હારીજ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખતા હારીજ નગરપાલિકાની વધુ એક નિષ્ક્રિયતા છતી થવા પામી છે.
વેપારી મથક ગણાતા હારીજ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાનાં સત્તાધીશોની અણઆવડતને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય, ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા ઓ, પાણીનો કરાતો વેડફાટ, રખડતા ઢોરોની સમસ્યા, મુખ્ય બજાર માર્ગો પર આડેધડ પાર્ક થતા શાકભાજીની લારીઓ અને વાહનચાલકો ના કારણે અવાર નવાર કલાકો સુધી સર્જાતી ટ્રાફિકની સમસ્યા સહિત સમસ્યાઓને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. શહેરીજનો દ્વારા નિયમિતપણે પોતાના વેરા ભરપાઇ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વામણી પુરવાર થઇ છે. ત્યારે નગરપાલિકાને જીઇબી તંત્રને ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડથી વધુની રકમ પાલિકા સત્તાધીશો દ્વારા જમા નહીં કરાવતા જીઈબી દ્વારા પાલિકા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક માં વીજબીલ ભરપાઇ કરવા સૂચિત કર્યા હોવા છતાં બાકી વિજ બીલના નાણાં જીઇબી માં ભરપાઇ ન કરતા શુક્રવારના રોજ જીઇબી તંત્ર દ્વારા હારીજ નગરપાલિકા નું વિજ કનેક્શન કાપી નાખતા હારીજ નગરપાલિકામાં અંધારપટ છવાયો હતો તો પાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓ ને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી. ત્યારે હારીજ નગરપાલિકા નાં સતાધીશો દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સાથે જીઇબી તંત્ર નું કરોડો રૂપિયા નું બાકી વિજ બીલના નાણાં સત્વરે ભરપાઇ કરી તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here