ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા આજે વિધાનસભા ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્યશ્રીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજી રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીબી મુક્ત ગુજરાત માટે સૌ જનપ્રતિનિધીઓ ઝુંબેશમાં જોડાય- વિધાનસભા અધ્યક્ષ ર્ડા.નિમાબેન આચાર્ય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ મારફત ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાવવા સૌને આહવાન કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષા શ્રી ડૉ.નીમાબેન આચાર્યએ કહ્યું કે, ટીબી બિમારીને દૂર કરવા માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ લોક સમૂદાયને સવિષેશ મદદરુપ થઇ શકે અને સમાજમાં પ્રચાર અને પ્રસારમાં વધારો કરી સરકાર તરફથી મળતી વિના મૂલ્યે સેવાઓનો વ્યાપ વધારી શકાય તે હેતુને પરિપૂર્ણ કરવા “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત સમગ્ર રાજ્યના ધારાસભ્યોશ્રીઓને ટીબી નિર્મૂલનની કામગીરીમાં સાંકળવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશને એક સામાજિક કાર્ય તરીકે લઈ રાજ્યના ગરીબ દર્દીઓના કલ્યાણ માટે સૌ જન પ્રતિનિધિઓને આ ઝુંબેશમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
અધ્યક્ષાશ્રીએ ઉમેર્યું કે, ટીબી અંગે લોકોની ગેરસમજ દૂર થાય, જન જાગૃતિ કેળવાય અને સમયસર નિદાનની સાથે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તો જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ ને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું. આ કાર્ય વિવિધ મત વિસ્તારમાંથી આવતા જનપ્રતિનિધિશ્રીઓ ખૂબ જ સુપેરે નિભાવી શકશે તેવો મને વિશ્વાસ છે. તેથી જ ધારાસભ્યશ્રીઓ માટે આ માર્ગદર્શન સેમિનારનું આયોજન વિધાનસભા ખાતે કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, વિશ્વના તમામ દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં પોતાના દેશને ટીબી મુક્ત દેશ બનાવવા સંકલ્પ લીધો છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. ત્યારે હંમેશા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેતા ગુજરાત રાજ્યએ પણ આ સંકલ્પને સાકાર કરવા માટે ટીબી નિર્મૂલન અભિયાનમાં જોડાઈને તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, ટીબી રોગનુ નિદાન દર્દીની બે ગળફાની માઇક્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે જેના માટે ગુજરાત રાજ્યમાં ૨૦૭૧ ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં ટીબી રોગનુ નિદાન વિનામૂલ્યે કરવામાં આવે છે. તે ઉપરાંત ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે ૩ કલ્ચર લેબોરેટરી, ૭૧ સીબીનાટ લેબોરેટરી અને ૭૭ ટુનાટ લેબોરેટરી ઉપલબ્ધ છે. ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટરની સંખ્યા વધારીને ૨૦૬૨ કરવામાં આવી છે. નિદાન માટે ૧૦૦ જેટલા વિવિધ સ્થળો ઉપર આધુનિક ફ્લોરોસન્ટ એલઇડી માઇક્રોસ્કોપ આપવામાં આવ્યા છે. ટીબી રોગની સારવાર, નિદાન અને દાવાઓ રાજ્યના તમામ સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સારવાર માટે તમામ શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ ૩૮,૩૮૦ ડોટ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તાલીમબધ્ધ સારવાર સહાયક દ્વારા દર્દીને ટીબીની દવાઓ ગળાવવામાં આવે છે. એટલું જ નહિ, રાજ્યના તમામ જીલ્લાઓમાં રહેલા ટીબીના દર્દીઓને ડેઈલી રેજીમેન શરૂ
કરવામાં આવી છે.
મંત્રી શ્રી ઋષિકેષ પટેલે ટીબીના શ્રમિક દર્દીઓને પોષણક્ષમ કીટ વિતરણ કરી તેમને મદદરૂપ થવા પણ સામાજિકસંસ્થાઓ અને નાગરિકોને આહ્વાન કર્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે સમગ્ર દેશમાં “ટીબી મુક્ત ભારત અભિયાન” શરૂ કર્યું છે તેને ગુજરાતે પણ સ્વીકારીને આ અભિયાનને નિયત સમયમાં સાકાર કરવા વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. જેમાં ટીબી કેસને ટ્રેસ કરવા અને તેમનું સમયસર નિદાન કરી જરૂરી સારવાર આપવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ડૉ.એસ.કે.મકવાણા સંયુકત નિયામક(ટીબી) દ્વારા ટીબી અંગેનું પ્રેજનટેશન રજુ કરવામાં આવ્યું. રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટીબી નિદાન અને સારવાર માટેની ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજીથી દરેક ધારાસભ્યો વાકેફ થાય તે માટે સેમિનારના સ્થળ પર સરકાર તરફથી વિના મૂલ્યે મળતી નિદાન, સારવાર અને દવાઓ બાબતે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યશ્રીઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર અને સચિવ શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર શ્રી રેમ્યા મોહન, જાહેર આરોગ્ય અધિક નિયામક શ્રી ડૉ.નીલમ પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ વિધાનસભાના અધિકારી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.