રાસાયણીક ખાતરથી જ ઉત્પાદન વધે છે તેવી ખોટી માન્યતામાંથી ખેડૂતો બહાર આવે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

0
15

હળવદ ખાતે પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ખેડૂતોને પ્રેરક ઉદ્દબોધન

પ્રાકૃતિક ખેતીથી જ જમીનના પોષકતત્વો જળવાઇ રહે છે

પ્રાકૃતિક ખેતી કરવાથી પવિત્ર ભૂમીનું રક્ષણ તેમજ પોષણ થાય છે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહ્વાન કર્યું

શ્રી નંદનવન નર્મદા સિંચાઇ સહકારી મંડળી હળવદ તેમજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન દ્વારા હળવદ મધ્યે ખેડૂતો માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ એપીએમસી ખાતે આયોજીત પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અભિયાનના માધ્યમથી ખેડૂતોનું કલ્યાણ થઇ રહ્યું છે. આ પ્રકારની ખેતી કરવાથી અનેક પ્રકારના ફાયદાઓનું વર્ણન કરી ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ ફરી પાછા ફરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.

વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દુનિયા પ્રાકૃતિક ખેતી માટે ભારત દેશ તરફ નજર દોડાવી રહી છે ત્યારે આપણા બધાની વિશેષ જવાબદારી બને છે કે આપણે દેશ અને દુનિયાને ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ લઇને સૃષ્ટિનું ભલું કરીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી પવિત્ર ભૂમીનું રક્ષણ તેમજ પોષણ થાય છે. રાસાયણીક ખેતીથી ભયંકર રોગોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ અહીંના ખેડૂતોએ સુભાષ પાલેકરજીએ બતાવેલ ખેત પદ્ધતિ પ્રમાણે ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો પણ થાય છે અને જમીનના પોષક તત્વો પણ જળવાઇ રહે છે.

પ્રાકૃતિક ખેતીની કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત-ઘનજીવામૃત તેમજ ભારતીય ગૌવંશની કાંકરેજ અને ગીર ગાયના ગૌબર તેમજ ગૌમૂત્રના ઉપયોગ કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એક એકર જમીન માટે ચાર દિવસમાં ખાતર તૈયાર કરવાની પદ્ધતિ પણ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક ખેતી કરી આર્થિક રીતે સદ્ધર બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બે ગણી કરવાનું સ્વપ્ન સાકાર કરી શકાશે તેવો રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીથી ખેતીની જમીનની ઉત્પાદકતા તેમજ ઓર્ગોનીક કાર્બનની માત્રા પણ વધે છે. રાસાયણીક ખાતર જમીનને બંજર બનાવે છે અને ખૂબ જ ખર્ચાળ હોવાથી પ્રાકૃતિક ખેતી કરીને મબલક ઉત્પાદન મેળવી ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બની દેશની પ્રગતિમાં ફાળો આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે શ્રી નંદનવન નર્મદા સિંચાઇ સહકારી મંડળી હળવદના અગ્રણીશ્રી જેઠાભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ધરતી માતાને ઝેરથી મુક્ત કરી ખેડૂતોને જાગૃત થવા અપીલ કરી હતી અને ગુજરાતને નંદનવન બનાવવા અપીલ કરી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ હળવદના વેગડવાવ ગામમાં આવેલ નંદનવન ફાર્મની મુલાકાત લઇને અહીં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીથી અવગત થયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, હળવદ-માળીયાના પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, અગ્રણી સર્વેશ્રી જેઠાભાઇ પટેલ, દામજીભાઇ ગોહિલ, પ્રફુલ્લભાઇ સેજલીયા, નંદનલાલ ચાવડા, એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જેન્તીભાઇ જાદવ, દિક્ષિતભાઇ પટેલ, વાસુદેવભાઇ પંચાસરા, મહેશભાઇ કુંડલીયા, મહંતશ્રી પ્રભુચરણદાસજી, દલસુખ મહારાજ સહિત મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ તેમજ પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા અને કાર્યશાળામાં ભાગ લેનાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here