રાજ્યનાં ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ..

0
4

સીમાવર્તી પાટણ જિલ્લામાં બોર્ડર, હાઈવે તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી..

ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પાટણ ક્રાઈમ રિપોર્ટ્સ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવી..

પાટણ તા.૫
પાટણ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મંગળવારના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રજૂ કરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરહદ સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં ઈન્ટેલિજન્સ સેવાઓ સારી બને તે માટે અખંડ ભારત પોલીસ મિત્ર યોજના અંતર્ગત પોલીસ જવાન, ગ્રામ રક્ષક દળના જવાનો તથા હોમગાર્ડના જવાનો કામગીરી કરી રહ્યા છે. સાથે જ પગીની મદદ અને બી.એસ.એફ. સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.
વાહનચોરી અને ઘરફોડ ચોરીઓના ડિટેક્શન માટે મહત્વપૂર્ણ સાબિત થયેલા વિશ્વાસ પ્રોજેક્ટની માહિતી આપતાં પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાટણ, રાધનપુર અને સિદ્ધપુર શહેર ખાતે કુલ ૯૧ સ્થળોએ ૪૯૬ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. હાલ ૨૪ કલાક કાર્યરત એવા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર સતત મોનિટરીંગના કારણે જિલ્લામાં ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં સતત ઘટાડો થવા પામ્યો છે.
જિલ્લામાં ગુનાખોરી તથા કાયદો અને વ્યવસ્થા વિશેની આંકડાકિય માહિતી અને સ્થિતિ ઉપરાંત પોલીસ અધિક્ષકે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માનવીય અભિગમ દાખવી કોરોના વાયરસ મહામારી દરમ્યાન ઓક્સિજનની વ્યવસ્થા અંગે ગૃહ રાજ્ય મંત્રીને અવગત કરાવ્યા હતા. ઉપરાંત નૈતિક ફરજના ભાગરૂપે વ્યસનમુક્તિ માટે ગામ દત્તક લીધા હોવાનું પણ જણાવ્યું હતું.
ક્રાઈમ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલી વિગતોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગાંજો, અફિણ અને પોષડોડા જેવા માદક પદાર્થોનો ઉપયોગ અને હેરફેર કરનાર સામે તપાસ હાથ ધરી ઝડપથી તેમની અટકાયત થાય તે જરૂરી છે. ગુજસીટોક અંતર્ગત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ આપતા લોકો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા ફાઈનાન્સિયલ ફ્રોડ આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગૌવંશની તસ્કરી તથા અપહરણના ગુનાઓ ડિટેક્ટ કરી ત્વરીત અટકાયતી પગલાં લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાટણ ક્રાઈમ રિપોર્ટસ વેબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તથા કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મિડીયાકર્મીઓને વિગતો આપતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, પાટણ જિલ્લા પોલીસ દ્વારા બે ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરી ૧૧ થી વધુ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા પાટણ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમાર, પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને નાયબ પોલીસ અધિક્ષકો સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here