Home BG News યાત્રાધામ અંબાજી ખાતે સાપ્તી દ્વારા પ્રથમ રીટેલ આઉટલેટ “આકાર” નો કલેક્ટરશ્રી વરૂણકુમાર...

યાત્રાધામ અંબાજી ખાતે સાપ્તી દ્વારા પ્રથમ રીટેલ આઉટલેટ “આકાર” નો કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે શુભારંભ કરાયો

0

અંબાજી મંદિરના ગેટ નં. ૭ ની બાજુમાં શરૂ કરાયેલ આકાર શોપમાં માર્બલ સેન્ડ સ્ટોન તથા પથ્થરોમાંથી બનાવેલ બેનમુન કલાકૃતિઓ પર્યટકો ખરીદી શકશે


પથ્થર કળા અને ડીઝાઇન ક્ષેત્રના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સાપ્તી ખાતે સ્વાવલંબી અને સર્જનાત્મક શિલ્પ કળા સર્જક બનવા માટેની શૈક્ષણિક તાલીમ અપાય છે


ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી- ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) દ્વારા પ્રથમ રીટેલ આઉટલેટ “આકાર” નો યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.


અંબાજી માતા મંદિર પ્રાંગણના ગેટ નંબર ૭ ની બાજુમાં દુકાન નંબર ૧ ખાતે શરૂ કરવામાં આવેલ આ આકાર શોપમાં માર્બલ સેન્ડ સ્ટોન તથા સ્થાનિક મળતા પથ્થરોમાંથી બનાવેલ બેનમુન કલાકૃતિઓ લોકો સુધી પહોચી શકે તથા અંબાજીના પર્યટકો આ કલાકૃતિઓ ખરીદી શકે તે માટે આધુનિક સુવિધાઓ સાથે આ સ્ટોર ઉદઘાટન બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ શોપમાં વેચાણ માટે મુકવામાં આવતી કલાકૃતિઓની ડીઝાઇન સાપ્તી કેન્દ્રોના નિષ્ણાત ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનીંગ દરમિયાન વિકસાવવામાં આવેલ છે તથા કેટલીક શિલ્પકૃતિઓ સ્થાનિક શિલ્પકારો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે.
સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) ના અંબાજી અને ધ્રાંગધ્રા કેન્દ્રો ખાતે મુખ્યત્વે માર્બલ, ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. પથ્થર કળા અને ડીઝાઇન ક્ષેત્રના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સાપ્તી ખાતે સ્વાવલંબી અને સર્જનાત્મક પથ્થરકળા/ શિલ્પ કળા સર્જક બનવા માટેની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. સાપ્તી ખાતે તાલીમાર્થીઓને થીયરી ઉપરાંત ડ્રોઈંગ, સ્કેચિંગ, ડીઝાઈનીંગ તથા પથ્થરને કંડારવાની કળાનું પ્રાથમિકથી લઈને ઉચ્ચસ્તરીય જ્ઞાન મળે છે. અહીં તાલીમાર્થીઓ હાથથી તેમજ લેથ અને સીએનસી (CNC) મશીન જેવા અદ્યતન મશીન અને અન્ય પથ્થરકળા માટે ઉપયોગી લેટેસ્ટ મશીનો દ્વારા શિલ્પ કળાની કૃતિઓ તૈયાર કરવામાં મહારત પ્રાપ્ત કરે છે.
આ ઉપરાંત, તાલીમાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો જેમ કે કમ્યુનીકેશન સ્કીલ, અંગ્રેજી, કોમ્પ્યુટર વગેરે શીખવવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ડીઝાઇન બનાવવા માટે ઉપયોગી કોરલ ડ્રો અને Auto CAD જેવા સોફ્ટવેરનું પણ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. અત્રે ઉલેખનીય છે કે ગુજરાત સરકાર આ તમામ કૌશલ્ય સાપ્તી ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સુવિધા પણ નિઃશુલ્ક પૂરી પાડે છે.
આ પ્રસંગે અધિક કલેકટર અને નિયામકશ્રી- સાપ્તી સ્ટેટ નોડલ યુનિટ ગાંધીનગર અને ટીમ, ભૂસ્તરશાસ્ત્રીશ્રી બનાસકાંઠા, મામલતદારશ્રી દાંતા, સાપ્તી અંબાજી તથા ધ્રાંગધ્રા ટીમ, તથા અંબાજીના સ્થાનિક શિલ્પકારો ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version