મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આદિપુર તથા ભચાઉ ખાતે તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરના ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

0
2

નાગરિકોને મિલકત વેરો, વ્યવસાયિક કર, સહિતની વિવિધ

સેવાઓ સિટી સિવિક સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે

ભૂજ, શનિવાર

આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યની ૨૨ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં કચ્છ જિલ્લામાં ગાંધીધામ પાલિકા હસ્તકના આદિપુર તથા ભચાઉ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ઈ-લોકાર્પણ પ્રસંગે આદિપુર ખાતે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તથા ભચાઉ ખાતે રાપર વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને સિટી સિવિક સેન્ટર લોકોને સમર્પિત કર્યું હતું.

આદિપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સરકાર લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે જ આજરોજ સિટી સિવિક સેન્ટરનુ આદિપુર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના કારણે હવેથી આદિપુર વિસ્તારના નગરવાસીઓને ગાંધીધામ પાલિકા સુધી કોઈપણ પ્રકારના કામગીરી માટે ધક્કો ખાવો નહીં પડે.આમ લોકોનો સમય અને ખર્ચ બચશે.

રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓમાં જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહે છે તેવી જ સુવિધાઓ નગરપાલિકા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી નગરપાલિકા વિસ્તારોમાં સિટી સિવિક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવી છે. સીટી સિવિક સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઘર આંગણે ઝડપી, ફ્રેન્ડલી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સેવાઓ પહોંચાડવાનો છે. આધુનિક ટેક્નોલોજી અને પ્રગતિશીલ અભિગમથી વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની રાજ્ય સરકારની આ પહેલ છે. સરકારની તમામ ઈ-સુવિધાઓ માટે સીટી સિવિક સેન્ટર “વન સ્ટોપ સોલ્યુશન” છે.

જ્યારે ભચાઉ ખાતે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને અનેક પ્રકારની સુવિધાઓ એક જ સ્થળે ઝડપથી મળી રહે એવા આશયથી જનસેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ શુભારંભથી લોકોને ઘર આંગણે એક જ સ્થળેથી આવકનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી જેવી પાલિકાઓ દ્વારા અપાતી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ઈ-લોકાર્પણ પ્રંસગે આદિપુર ખાતે ગાંધીધામ પાલિકા પ્રમુખશ્રી ઇશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખશ્રી બલવંત ભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન શ્રી પુનિત દૂધરેજીયા, આગેવાન શ્રી પંકજભાઈ ઠક્કર, મહેન્દ્ર જુણેજા, ચીફ ઓફિસરશ્રી એસ.રામાનુજ તથા ભચાઉ ખાતે જીએસસી બેંકના ડાયરેક્ટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય આગેવાનશ્રી અરજણભાઈ રબારી, વિકાસભાઈ રાજગોર, ઉમિયાશંકર જોશી, કુલદિપસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, અશોકસિંહ ઝાલા, વાઘુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, હર્ષદભાઈ ઠક્કર, વહીવટદાર શ્રી પાલ તેમજ એસ.ડી.ઝાલા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ -દિપક આહીર ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here