મહેસાણા અર્બન બેન્કના ડિરેક્ટર કિરીટભાઈ બી. પટેલે કોલેજની રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત

0
37

શૈક્ષણિક સંસ્થાના નામે પાંચ શખ્સોએ 2.40 કરોડની છેતરપિંડી કરતાં પગલું

ભર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

તમામ મિલકત પૌત્ર આર્યના નામે કરવા અને તેના લગ્નમાં જરૂરથી આવીશ તેમ

લખ્યું

મહેસાણા અર્બન બેન્કના ડિરેક્ટર અને રણેલા કોલેજના મુખ્ય ટ્રસ્ટી કિરીટભાઈ બી. પટેલે શનિવારે સવારે તેમની કોલેજની હોસ્ટેલના એક રૂમમાં પંખે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ઇન્દોર, દિલ્હી અને અમદાવાદના પાંચ શખ્સોએ શૈક્ષણિક સંસ્થાના નામે રૂ.₹2.40 કરોડની છેતરપિંડી કરતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મોઢેરા પોલીસે પાંચે શખ્સો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પૈસાના કારણે કિરીટભાઇ આપઘાત કરી લે તેવું કોઇ માનવા તૈયાર નથી.

હોસ્ટેલના રૂમમાંથી પંખે દોરીથી લટકીને આપઘાત
બહુચરાજી તાલુકાના રણેલા ગામના વતની અને માજી ધારાસભ્યના પુત્ર કિરીટભાઈ ભાઇલાલભાઇ પટેલની ગામમાં જ સરસ્વતી મહિલા બીએડ કોલેજ આવેલી છે અને તેની હોસ્ટેલના એક રૂમમાં તેઓ રહેતા હતા. જ્યારે તેમનાં પત્ની અને પુત્ર સહિતનો પરિવાર મહેસાણા ખાતે રહે છે. શનિવારે સવારે હોસ્ટેલના રૂમમાંથી પંખે દોરીથી લટકીને આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

કોલેજના લેટરપેડ પર લખેલી સ્યુસાઇડ નોટ મળી
સરસ્વતી મહિલા કોલેજના લેટરપેડ પર લખેલી આ નોટમાં તેમની સાથે શૈક્ષણિક સંસ્થાના નામે છેલ્લા દોઢેક વર્ષમાં રૂ.2.40 કરોડની રકમ નિલેશ દોલતકુમાર ત્રિવેદી (ઇન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદકુમાર શુક્લા અને કૃપાબેન અભિષેકભાઈ શુક્લા (બંને રહે. મધુરમ વિલા વિભાગ 2, આરાધના સોસાયટી, ઘુમા, અમદાવાદ) તેમજ અમીબેન જોશી (પ્રેરણાકુટિર, સાર્થી હોટલ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ)એ છેતરપિંડીથી મેળવી પરત નહીં આપી હોવાનું જણાવ્યું છે.

પોલીસે પાંચે શખ્સો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો
​​​​​​​જે આધારે મૃતકના ભાઇ દિનેશભાઇ પટેલે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. નાણાકીય હિસાબ માટે પણ લખ્યું પ્રો. અનિલભાઈ પટેલ કડી કલ્યાણપુરા કોલેજ પાસેથી બીએડ અને એમએડના હિસાબ પેટે સને 2023-24ના રૂ.55 લાખ અને સને 2022-23ના રૂ.7 લાખ મળી કુલ રૂ.62 લેવાના થાય છે.​​​​​​​​​​​​​​તેમાંથી રૂ.50 લાખ વિનોદભાઈ પટેલ મેનેજર અર્બન બેંકને આપવા તેમજ રૂ.5 લાખ ભાવનાબેન ક્લાર્ક સરસ્વતી સ્કૂલને આપવા. પાછળના હિસાબ મુજબ ચૂકતે કરવા બાકી કોઇનો હિસાબ કે પગાર બાકી નથી તેમ લખ્યું છે. પૈસાના કારણે આપઘાત કોઇ માનવા તૈયાર નથી સ્વભાવે લડાયક અને સ્પષ્ટ વક્તા કિરીટભાઈ રણેલા માત્ર પૈસાના કારણે આપઘાત કરી લે તે કોઈ માનવા જ તૈયાર નથી. કારણ કે, પોતે ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવે છે. લોકચર્ચા મુજબ, સામાજિક કારણોસર તેમણે આ પગલું ભર્યું હોઈ શકે. પરંતુ આવી કોઇ હકીકત કાગળ ઉપર આવી નથી.

પરિવારને લખ્યું… આપ સર્વેનું ઋણ ચૂકવ્યા સિવાય જાઉં છું, તેનો વસવસો છે
વંદનીય બહેનો પ્રવિણાબેન, તારાબેન, પાર્વતી. સૌને નમસ્કાર. ભગવાન કોઈને કોઈ નિમિત્તે લઈ જાય છે, જવાનું નક્કી હોતું નથી, જે હુકમ આનંદથી સ્વીકાર કરવો પડે. આપ સર્વેનું ઋણ, અહેસાન ચૂકવ્યા સિવાય જાઉં છું, તેનો વસવસો છે. દિનેશભાઈ, નરેન્દ્ર, બાબુલાલ, ડો.જગદીશકુમાર, કૌશિકકુમાર, મુકેશને યાદ. નીલાબેન- હરેશ બધાને માફ. આર્ય ભૂલાશે નહીં, તેને કોલેજ ટ્રસ્ટનો પ્રમુખ બનાવી મારી તમામ મિલકત તેના નામે કરશો. મારા મૃતદેહનું દેહદાન કરશો. બધા સાથે મળીને મારા મૃત્યુને વધાવી લેશો. કોઈ વિવાદ થાય નહીં અને મતભેદ ભૂલી મારી ભૂલોને માફ કરશો. આર્ય તારા લગ્નમાં જરૂર આવીશ.

એસપીને ફરિયાદ કર્યા છતાં એફઆઈઆર ના નોંધી, નાણાંથી ફૂટી ગયાનું સ્પષ્ટ છે…
મને મારી સાથે છેતરપિંડી કરનાર પાંચ ઇસમોની ધરપકડ થાય તો જ મને શ્રદ્ધાંજલી આપી ગણાશે. મને આપઘાત કરવા દુષ્પ્રેરિત કરનાર આ પાંચેય ઇસમો જવાબદાર છે. બહુચરાજી પીએસઆઇ રાઠોડ અને એસપી અચલ ત્યાગીને ફરિયાદો કર્યા છતાં FIR નોંધી નથી. તેઓ પણ નાણાંથી ફૂટી ગયા હોય તેવું સ્પષ્ટ છે. શારદાબેન સાંસદને પણ રૂબરૂ ફરિયાદ કરેલ છે.

અરજી મામલે તમામનાં નિવેદનો લઈ આગળ સુધી કાર્યવાહી કરી છે : એસપી
સ્યુસાઇડ નોટમાં મૃતક કિરીટ પટેલે કરેલા આક્ષેપોનું ખંડન કરતાં એસપી અચલ ત્યાગીએ જણાવ્યું કે, અરજી કર્યા બાદ બધા માણસોને બોલાવીને સાથે તેમના પણ નિવેદન લેવાયાં હતાં. તેમના પૈસાની લેવડ દેવડ બાબતે તેમને કોઈ બીજી પાર્ટી સાથે કરાર પણ થયા હતા. તપાસમાં આગળ સુધી કાર્યવાહી થયેલ છે તેમ છતાં આ ખૂબ દુઃખદ ઘટના બની છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here