મહેસાણાના રાધનપુર રોડ પરની મહેશ્વરી સોસાયટી વરસાદી પાણી ટાંકામાં ઉતાર્યા પછી પમ્પિંગ કરી પાણી બહાર નિકાલમાં આ સોસાયટી આત્મનિર્ભર બની

0
3

એક લાખના ખર્ચે 44 હજાર લિટર પાણીનું ટાંકું બનાવ્યું

ચોમાસામાં રૂ.25 હજારમાં મશીન ઓપરેટર રાખે છે

ચોમાસામાં સોસાયટીઓમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે રહીશો બૂમાબૂમ કરી મૂકતાં હોય છે, ત્યારે મહેસાણા શહેરની એક સોસાયટી એવી પણ છે કે જે દર ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા સામે હાથ લાંબો કરીને બેસી રહેવાને બદલે જાતે જ ઉપાય શોધી લીધો છે. રાધનપુર રોડ પર આરુષ ફ્લેટની પાછળ આવેલી મહેશ્વરી સોસાયટીના રહીશોએ સોસાયટી કોમન પ્લોટમાં 44 હજાર લિટર પાણી સમાવી શકાય તેવી અંડરગ્રાઉન્ડ ટાંકું બનાવી છે, જેમાં વરસાદી પાણી ઉતાર્યા પછી પમ્પિંગ કરીને પાઇપલાઇન મારફતે બહાર રોડ પર નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી કરી છે.

પરિણામે છેલ્લા પાંચ વર્ષથી ગમે તેટલો વરસાદ પડે પણ આ સોસાયટીના રહીશોને પાણી ભરાવાની કોઇ ચિંતા રહેતી નથી કે નથી સરકારી તંત્રને આજીજી કરવાની જરૂર પડતી. એક રીતે કહીએ તો વરસાદી પાણીના નિકાલમાં આ સોસાયટી આત્મનિર્ભર બની છે.રાધનપુર રોડ પર બે દાયકા પહેલાં બંધાયેલી મહેશ્વરી સોસાયટી પછી આસપાસ અનેક ફ્લેટ અને નવી સોસાયટીઓ ઊભી થઇ ગઇ છે. મુખ્ય રોડ નવો બનતાં લેવલ ઊંચું થવાથી આ સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણીનો બહાર નિકાલ નહીં થઇ શકતાં રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સોસાયટીના રહીશોને એક વિચાર આવ્યો. જેને પગલે એક લાખ રૂપિયાના ખર્ચે 44 હજાર લિટર પાણીની ક્ષમતાની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી અને ચોમાસામાં સોસાયટીમાં ભરાતું પાણી મશીનથી ખેંચીને ટાંકીમાં ઉતારવામાં આવે છે. ટાંકી ભરાયા પછી તેનો રોડ સાઇડ પાઇપ લાઇન મારફતે પમ્પિંગ કરીને નિકાલ કરવામાં આવે છે.

પાણી નિકાલ પાછળ થતો ખર્ચ સોસાયટીના રહીશો સામુહિક ઉઠાવે છે
અમારી સોસાયટી રોડથી નીચી હોઇ ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી અમે 20 બાય 20 ફૂટની ટાંકી બનાવી, તેમાં ફાયટરીયા મશીનથી પાણી ઉતારી બાદમાં બહાર નિકાલ કરીએ છીએ. આ માટે ચોમાસાના ચાર મહિના મશીન ઓપરેટર રાખીએ છીએ અને તેનો રૂ.25 હજાર પગારખર્ચ સોસાયટીના રહીશો સામુહિક કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણીનો આ રીતે નિકાલ કરીએ છીએ. > રાજુભાઇ ઠાકોર, મંત્રી મહેશ્વરી સોસાયટી

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here