મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો યુવક 6 મહિનાથી ગુમ, એજન્ટોનાં બહાનાં- ‘ડોમિનિકાની જેલમાં છે, છોડાવવાના પ્રયાસ ચાલુ છે’

0
8

ગેરકાયદે વિદેશ જવાની ઘેલછામાં કેટલાય ગુજરાતી પરિવારો વિખેરાઈ ગયાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક યુવક ગુમ થવાની ફરિયાદ મહેસાણામાં નોંધાઈ છે. યુવકને 75 લાખ રૂપિયામાં વિદેશ મોકલવાનું કહી સમાજની ઓળખાણ બતાવી 10 લાખ રૂપિયા રોકડા લઇને એજન્ટોએ 15 ડિસેમ્બરે યુવકને મહેસાણાથી મુંબઈ, ત્યાંથી એમ્સ્ટર્ડમ (નેધરલેન્ડ), ત્યાંથી પાર્ટ ઓફ સ્પેન અને બાદમાં ડોમિનિકા લઇ ગયા હતા. જોકે 4 ફેબ્રુઆરીથી યુવકનો કોઇ કોન્ટેક્ટ ન થતાં તેના ભાઇએ ત્રણ એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા તાલુકાના હેડુઆ રાજગર ખાતે રહેતા અને બેચરાજી રોડ પર હરિહર રેસ્ટોરન્ટ ચલાવતો 29 વર્ષીય સુધીર પટેલ મહેસાણા ખાતે રહેતા દિવ્યેશ ઉર્ફે જોની મનોજ કુમાર પટેલના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ દિવ્યેશ પટેલે સુધીર પટેલને અમેરિકાનાં મોટાં મોટાં સપનાં બતાવ્યાં હતાં અને પોતે આવું કામ કરતો હોવાનું જણાવ્યું હતું તેમજ અમદાવાદના શૈલેષ અને મહેન્દ્ર ઉર્ફે એમ.ડી બળદેવભાઈ પટેલ નામના એજન્ટો સાથે મળીને લોકોને અમેરિકા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

ગેરકાયદે વિદેશ જવાની ઘેલછામાં કેટલાય પરિવારો વિખેરાઈ ગયા છે.
‘સમાજના છો એટલે 10 લાખ રોકડા આપો, બાકીના પછી આપજો’
આમ, અમેરિકાનાં સપનાં બતાવી દિવ્યેશ પટેલે સુધીર પટેલને અમેરિકા જવાની તમામ વિગત સમજાવી હતી, જેમાં કહ્યું હતું કે અમેરિકા જવાનો ખર્ચ 75 લાખ રૂપિયા થાય છે, એમાંથી તમારે એડવાન્સમાં 20 લાખ રૂપિયા આપવાના થાય, પરંતુ તમે સમાજના છો એટલે 10 લાખ રોકડા એડવાન્સમાં આપજો, બાકીના અમેરિકા પહોંચ્યા બાદ જ આપજો. આમ, વિશ્વાસ કેળવીને સુધીર અને તેના ભાઇ જોડેથી બે હપતે 10 લાખ રોકડા લીધા હતા.

15 ડિસેમ્બર-2022ના રોજ સુધીર મુંબઈ જવા નીકળ્યો
10 લાખ રોકડા લીધા બાદ દિવ્યેશે 15 ડિસેમ્બર 2022ના રોજ સુધીર પટેલને મહેસાણાથી વોલ્વોમાં મુંબઇ લઇ જવાયો હતો, જેની સાથે અન્ય 9 લોકો પણ હોવાનું સામે આવ્યું છે. એ તમામને દિવ્યેશ અને તેના મળતિયા બે એજન્ટો અમેરિકા લઇ જવાના હતા. ત્યાર બાદ 12 જાન્યુઆરી 2023ના રોજ સુધીર પટેલે પોતાના ભાઈ સુનીલ પટેલને મુંબઈથી ફોન કરી કહ્યું હતું કે આવતીકાલે સવારે નેધરલેન્ડ જવાનું છે. ત્યાર બાદ સુધીર પટેલ તેના ભાઇ સુનીલ પટેલ સાથે વ્હોટ્સએપ કોલથી અને વીડિયો કોલથી વાતચીત કરતો હતો. ત્યારે તે નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં હતો.

સુધીરનો ફોન એકાએક બંધ થઇ ગયો
એજન્ટો નેધરલેન્ડથી સુધીર પટેલને પાર્ટ ઓફ સ્પેન લઇ ગયા હતા. બાદમાં 20 જાન્યુઆરી 2023ના રોજ ડોમિનિકા લઇ ગયા હતા, જ્યાંથી સુધીર પટેલને તેના ભાઇ સાથે વ્હોટ્સએપ કોલથી અને વીડિયો કોલથી વાતચીત થતી હતી. છેલ્લે, 4 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે બે કલાકે સુધીર પટેલે પોતાના ભાઇ સુનીલને ફોન કર્યો હતો અને ત્યાર બાદ સુધીરનો ફોન એકાએક બંધ થઇ ગયો હતો. ત્યાર બાદ સુધીર પટેલનો કોન્ટેક્ટ ન થતાં સુનીલ પટેલે દિવ્યેશ સહિતના એજન્ટોને વાત કરી હતી. જોકે એજન્ટો સુનીલ પટેલને રોજ ગોળ ગોળ વાતો કરી ગૂંચવી રહ્યા હતા.

એજન્ટોએ કહ્યું- સુધીરને પોલીસે પકડી લીધો છે
બાદમાં એજન્ટોએ સુધીરના ભાઈ સુનીલ પટેલને જાણ કરી હતી કે વિદેશ ગયેલા લોકોને ડોમિનિકાની પોલીસે પકડ્યા છે અને અમે તેમને છોડાવવાની કાર્યવાહી કરીએ છીએ, એમ કહી તેમને અંગ્રેજી સિવાય બીજી ભાષામાં બે-ત્રણ કાગળ તેમજ પાવતીઓ બતાવી હતી અને એની ઝેરોક્સ પણ હતી. આમ, એજન્ટો ખોટી ખોટી પાવતીઓ બતાવી સુનીલ પટેલને પણ છેતરી રહ્યા હતા. જોકે હજુ સુધી સુધીર પટેલનો ક્યાંય પત્તો ન મળતાં આખરે સુનીલ પટેલે એજન્ટ દિવ્યેશ ઉર્ફે જોની મનોજ કુમાર પટેલ, શૈલેષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે એમ.ડી. બળદેવભાઈ પટેલ સામે છેતરપિંડી કરી ખોટા કાગળો ઊભા કરી વિશ્વાસ કેળવી 10 લાખ પડાવ્યાની અને પોતાના ભાઇને ગુમ કર્યાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.
આ પણ વાંચો: અમેરિકા જવા નીકળેલા પ્રાંતિજના યુવકની પત્નીની વેદના, કહ્યું- પગે લાગી કહું છું કે મારા માણસને જલદી ઘરે લાવો

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here