ઈડર તાલુકાના ભદ્રેસર ખાતે માઢવાળી તુળજા ભવાની માતાજીના ચાચર ચોકમાં આસો સુદ પાંચમના રોજ ધૂધરો બાંધવાનો અને છોડવાનો કાર્યક્રમ યોજાયો. આ અંગેની વિગત એવી છે કે ભૂતકાળમાં નાયક બંધુઓ ભવાઈ વેશમાં ચાચર ચોકમાં રમતા હોય ત્યારે ગામના મુખી ભવાઈ રમનાર નાયકના દીકરાના જમણા પગે ધૂધરો બાંધી ગામની જાતર રમવા નિમંત્રણ આપતા હતા. જેમાં સુષ્ટીના દેવી-દેવતાઓને પણ તન, મન અને ધનથી આજીજી કરીને પધારવા વિનવણી કરાતી હતી. જેથી રાત્રિના સમયે દેવી-દેવતાઓ સ્તવન સાથે માતાજીના વેશ ભજવતા હતા.
જેમાં ધૂધરો બાંધતી વખતે અને ધૂધરો છોડાવતી વખતે માતાજીની ગરબીઓ ભુંગળ, કાસીજોડા, તબલાને તાલે ધૂધરાના ગમકારે નાયક નાચી માતાજીની આરાધના કરે છે આ સમયનું દ્રશ્ય સાક્ષાત માતાજી પૃથ્વી ઉપર રમવા આવ્યા હોય તેવું લાગતું હતું. ભૂગળ, ધૂધરો, ચુંદડી, ચાંદલો અને ચૂડીએ નાયકના દીકરાને બહુચર માતા સાક્ષાત પ્રસન્ન થઈ ભેટ આપેલ હોવાથી જગતના કલ્યાણ માટે કલ્યાણકારી પ્રવિત્ર મનાય છે. એક જમાનામાં ભવાઈની માનતાઓ મનાતી હતી અને વાંજીયાને ઘરે પારણાં બંધાતા, પણ હવે ક્યાંક ક્યાંક જગ્યાએ ભવાઈ થાય છે અને તેની માનતા પણ થાય છે. વ્યક્તિગત રીતે પણ ધૂધરો બાંધવાની અને છોડાવાની જાતર માનતામાંથી મુક્તિ મેળવી માતાજીની કૃપા પ્રાપ્ત કરી ધન ધન્ય કુટુંબ કબીલાઓ સુખ પ્રાપ્ત કરે છે. પણ હવે ભવાઈના કલાકારો બહુ ઓછાં હોવાથી જીજ્ઞેશભાઈ, જનકભાઈ, નિકુલભાઈ નાયક આસો સુદ પાંચમના દિવસે સ્ત્રી વેશ ધારણ કરી પગે ધૂધરો બાધી ગરબા ગવાય છે અને જેને માનતા માની હોય તે અને રાજીખુશીથી પણ ધૂધરો છોડાવે અને બધાવે છે. વધુ આ વિધિ ના અંતે આ સ્ત્રી વેશ ધારણ કરનાર કલાકારો એ માતાજીની આગળ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના વાઈરસનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
તસવીર:ઋષિ નાયક