બહુચરાજીમાં હારિજ રોડ પર રેલવેનાળામાં પાણી નિકાલ ન કરાતાં ચક્કાજામમ, રોષે ભરાયેલા 10 ગામોનાં લોકોનાં રેલવેપટ્ટી ઉપર બેસી ધરણાં, સૂત્રોચ્ચાર

0
2

રેલવેના​​​​​​​ કારણે હેરાન થતાં લોકોનો આક્રોશ દેખાયો, પોલીસે માંડ માંડ સમજાવ્યા

યાત્રાધામ બહુચરાજીમાં હારિજ તરફ જવાના માર્ગ ઉપર આવેલા રેલવેના ગરનાળામાં છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરાયેલું હોવા છતાં રેલવે કે નઘરોળ વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા નહીં કરાતાં રવિવારે સાંજના બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરની આગેવાની હેઠળ વિસ્તારના 10થી વધુ ગામોના લોકોએ રસ્તો ચક્કાજામ કરી ટ્રેન રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક પોલીસની દરમિયાનગીરી અને પાણી ઉલેચવા પંપ ગોઠવવામાં આવતાં લોકોએ રસ્તો ખૂલ્લો કર્યો હતો.

બહુચરાજી-રણુંજ બ્રોડગેજ લાઇન નાખવામાં રેલવે તંત્રએ જૂની લાઇન પ્રમાણે પાણીના નિકાલના નાળા મૂકવાને બદલે બંધ કરી દીધા છે. તો બહુચરાજીમાં માર્કેટયાર્ડ પાસે શંખલપુર સહિત 20 ગામોને જોડતા રસ્તા પર, હારિજ જવાના માર્ગ તેમજ ઇન્દિરાનગર જવાના માર્ગ પર અંડરપાસ બનાવ્યા છે. પરંતુ રેલવે કોન્ટ્રાક્ટરે અહીં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા નહીં કરી લોકોની સમસ્યા વધારી દીધી છે.

હારિજ રોડ પર અંડરપાસમાં છેલ્લા 20 દિવસથી છાતીસમું પાણી ભરાયેલું છે. આમ છતાં રેલવે તંત્ર દ્વારા પાણી નિકાલ નહીં કરાતાં લોકોએ નાછૂટકે રેલવે ટ્રેક પરથી જાનના જોખમે પસાર થવું પડે છે. આ અંગે વારંવાર જાણ કરવા રેલવેના કોન્ટ્રોક્ટર, સ્થાનિક મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પાણી નિકાલ નહીં કરાતાં લોકો રોષે ભરાયા હતા.

દરમિયાન, રવિવારે સાંજના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, સાપાવાડા ડેલીગેટ ક્રિપાલસિંહ ઝાલા, જશુભાઇ કાપડિયા, પૂર્વ સરપંચ પ્રકાશભાઇ પટેલ સહિત બહુચરાજી, સાપાવાડા, સૂરજ, શંખલપુર, ચંદ્રોડા, સુરપુરા સહિત 10થી વધુ ગામોના લોકોએ રસ્તો રોકી ચક્કાજામ કરતાં બંને બાજુ વાહનોની કતાર લાગી હતી, તો મારુતિમાં જતી ટ્રેન પણ રોકી દેતાં દોડધામ મચી ગઇ હતી. લોકોની સમસ્યા અંગે સરકારમાં રિપોર્ટ કરવાની પીઆઇ અનિરુદ્ધસિંહ સોલંકીએ ખાતરી આપતાં તેમજ પાણીના પંપ ગોઠવાતાં લોકોએ રસ્તા ખૂલ્લા કર્યા હતા.

કાયમી ઉકેલ નહીં લાવે તો કલેક્ટર કચેરી ઘેરીશું
પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે આક્રોશ સાથે જણાવ્યું કે, 15થી વધુ ગામોને જોડતા રોડ પરના નાળામાં 20 દિવસથી પાણી ભરાયેલું હોવા છતાં રેલવે પાણીનો નિકાલ કરતું નથી. તો વહીવટી તંત્ર પણ કોઇ પગલાં લેતું નથી. યાત્રાધામના ત્રણે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લવાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવ સહિતના કાર્યક્રમો આપીશું.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here