બહુચરાજીમાં વિરમગામ હાઇવે પરના રહેણાંક વિસ્તારમાં ગટર કે વરસાદી પાણીના નિકાલની કે રોડની સુવિધા ન હોઇથી લોકો ગંદકીમાં રહેવા મજબૂર

0
3

જાહેર રોડ ઉપર વરસાદી પાણી અને મળ ભેગો થતાં અસહ્ય ગંદકીનો ફેલાવો

યાત્રાધામ બહુચરાજીમાં વિરમગામ હાઇવે પર વિકાસ પામેલા વિસ્તારમાં ગટર કે વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નહીં હોવાના કારણે અઠવાડિયા પહેલાં થયેલા વરસાદી પાણીમાં મળ ભળતાં થયેલી અસહ્ય ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. તંત્ર ગટર, રોડ સહિતની પ્રાથમિક સુવિધા વિના જ આડેધડ બાંધકામ પરવાનગી આપતું હોઇ મકાન માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ગંદકી વચ્ચે રહેવું પડતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

માંડલ-બહુચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (સર) પ્રોજેક્ટ અંતર્ગત રૂ.88.76 કરોડના ખર્ચે મંજૂર થયેલો 6.62 કિમીનો હાંસલપુરથી કાલરી સુધીનો 24 મીટરનો ડીપી રોડ બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતની હદમાં આવે છે તે મંજૂર થઈને ફાઈનલ નકશો પણ આવી ગયો છે. હાઇવે પર વિકાસ પામેલા રહેણાંક વિસ્તારમાં કે ગટર, વરસાદી પાણી અને રોડ સહિતની મૂળભૂત પ્રાથમિક સુવિધાના અભાવે હાલ સમગ્ર વિસ્તારમાં જાહેર રોડ પર મળ અને અન્ય ગંદકીનો અસહ્ય ફેલાવો થયો છે. વરસાદ બંધ થયે એક અઠવાડિયું થયું છતાં હજુ આ વિસ્તારમાં ગંદું પાણી ભરાયેલું છે.

પરિણામે આસપાસની સાર્થક, વલ્લભ રેસીડેન્સી, ઉમિયાપાર્ક સહિતની સોસાયટીઓના રહીશો અને શાળાએ જતા બાળકોને આ ગટરના મળ મિશ્રિત ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પરિણામે, રોગચાળો ફેલાવોની ભીતિ સર્જાઇ છે.

આ મામલે સ્થાનિક રહીશોની ફરિયાદોને પગલે સાંસદ શારદાબેન પટેલે જિલ્લા કલેક્ટરને સરકારે જાહેર સુખાકારી અને સુવિધાના ભાગરૂપે આ વિસ્તારમાં મંજૂર કરેલ ડીપી રોડ તેમજ ગટર, વરસાદી પાણી નિકાલની કામગીરી શરુ થઇ નથી. આ કામો સત્વરે પૂર્ણ નહીં થાય તો સમગ્ર વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેમ હોઇ તેમજ તેની અસર વ્યાપારિક અને પ્રવાસન ઉપર પણ પડી શકે તેમ હોઇ ડીપી રોડ, ગટર અને વરસાદી પાણીની લાઈનના કામો સત્વરે પૂરાં કરવા જણાવ્યું છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here