ફળની અપેક્ષા રાખ્યા વિના સમાજ સેવારૂપી કર્મ કરતા રહેવું જોઇએ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ

0
4

દાહોદમાં ૫૦થી વધુ સંસ્થાનો દ્વારા મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્તિ બદલ શ્રી પટેલનું અદકેરૂ સન્માનમધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્ત થવા બદલ ગુજરાતના પીઢ નેતા શ્રી મંગુભાઇ પટેલનું દાહોદના આદિવાસી સમાજના વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનના પ્રતિભાવમાં તેમણે ગીતાઉપદેશ દોહરાવી ફળની અપેક્ષા રાખ્યા વિના સમાજ સેવારૂપી કર્મ કરતા રહેવાની શીખ આપી હતી.

દાહોદની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાન ભીલ સેવા મંડળના ઉપક્રમે અહીંના પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાયેલા સન્માન સમારોહમાં સંબોધન કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલએ જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજના વિકાસનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો હતો. તેમના શાસન પૂર્વે ગુજરાતમાં ૩૫ વર્ષમાં આદિજાતિ વિકાસ માટે કૂલ રૂ. ૧૨૦૦ કરોડ વપરાયા હતા અને નરેન્દ્રભાઇએ વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં રૂ. ૧૭૦૦ કરોડ આ સમાજના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા.

હવે, ગુજરાત સરકારે એક લાખ કરોડની જોગવાઇ સાથે વનબંધુ કલ્યાણ યોજના-૨ લોન્ચ કરી છે. તેનાથી અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના લોકોને સમગ્રતયા લાભ થશે.દાહોદ સાથે પોતાના સંસ્મરણો વાગોળતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને સંગઠનમાં મારી જવાબદારી અનુસંધાને મારે દાહોદ જિલ્લાનો વારંવાર પ્રવાસ કરવાનો થતો હતો. દાહોદ આવું એટલે મને ઘરે આવ્યો હોવાની અનુભૂતિ થાય છે. સરકારમાં કામ કરતો હતો ત્યારે અમે કોઇ પણ રાજકીય ભેદભાવ રાખ્યા વીના આદિવાસીઓના વિકાસ માટે કામ કર્યું હતું અને એ જ ઉજળી પરંપરા પણ આજે ચાલી આવે છે. આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓને શીખ આપતા શ્રી પટેલે ઉમેર્યું કે, સમાજસેવકોએ સારાનરસા પ્રતિભાવની અપેક્ષા કે ફળની ચિંતા કર્યા વિના સેવાનું કામ કરતું રહેવું જોઇએ. તમારા સારા કામની કોઇ નોંધ લે કે ના લે પણ ઇશ્વરના દરબારમાં સારા કામની નોંધ ચોક્કસ લેવાઇ છે. પ્રથમ દેશ, બાદમાં સંસ્થા અને છેલ્લે સ્વ માટે કામ કરવા જોઇએ. રાજ્યપાલશ્રીએ પોતાને આ વિશેષ જવાબદારી મળવા બદલ રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો અને કહ્યું કે, મારી નિયુક્તિ એ વાત બતાવે છે કે તમે કરેલા કામની નોંધ ચોક્કસ લેવાઇ છે. દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, અમારી જેવા અનેક નાનામોટા કાર્યકર્તાઓને શ્રી મંગુભાઇનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. મને એમની સાથે કામ કરવાની તક મળી છે. એ અનુભવનું હું એટલું તો ચોક્કસ કહી શકું કે તેમણે સ્વ કરતા સમાજની સવિશેષ ચિંતા કરી છે. ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાના પ્રારંભિક કાળમાં શ્રી પટેલના યોગદાનને બિરદાવતા શ્રી ભાભોરે કહ્યું કે, તેમણે હંમેશા આદિવાસી સમાજના હિતને હૈયે રાખીને કામ કર્યું છે. તેના કારણે આજે આદિવાસી વિસ્તારમાં થયેલો વિકાસ આપણને સૌને જોવા મળી રહ્યો છે. ગોધરાના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યપાલશ્રીના ૨૭ વર્ષના ધારાસભ્યકાળ દરમિયાન સેવાની પ્રશસ્તિ કરી હતી. દાહોદની ૫૦થી વધુ સંસ્થાઓ, ૩૦૦થી વધુ વ્યક્તિગત રીતે શ્રી મંગુભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના આગમન વેળાએ જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, પ્રો. કુબેરભાઇ ડિંડોર અને શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા તથા રમીલાબેન, અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર અને દશરથભાઇ બારિયા, સુશ્રી કૈલાસબેન પરમાર, ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિભાઇ નિનામા અને મંત્રી શ્રી મુકેશભાઇ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here