Home BG News ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત હાલતમાં:જાનહાનિનો ભય.

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરીત હાલતમાં:જાનહાનિનો ભય.

0

છેલ્લા 25 વર્ષથી એપીએમસીના મકાનમાં ચાલતી પોસ્ટ ઓફિસનું મકાન બદલવા છેલ્લા દસ વર્ષથી સ્ટાફ દ્વારા રજૂઆત છતાં આંખ આડા કરાતા કાન.રવિવાર રાત્રિના સમયે પોસ્ટ ઓફિસમાં છતના પોપડા પડતા સદભાગ્યે જાનહાનિ ટળી. છેલ્લા દસ દિવસથી નેટ બંધ હોવાના કારણે હજારો ખાતેદારોને ધરમ ધક્કા ખાવાનો વારો.પોસ્ટ ઓફિસના ઉપરથી કાર્યાલયની અંદર પડતા વરસાદી પાણીના કારણે ટપાલ,કાર્યાલયના દફતર,કોમ્પ્યુટર વિગેરેને થતું નુકસાન. ફતેપુરા તાલુકાના સુખસર ખાતે અએપીએમસીના મકાનમાં ચાલતી પોસ્ટ ઓફીસનું મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં હોય પોસ્ટના કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.પોસ્ટ ઓફિસનું મકાન બદલવા છેલ્લા દસ વર્ષથી સમાચાર પત્રોના માધ્યમથી અને આ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ઉપલા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન નહીં આપી મોટી જાનહાનિની રાહ જોવાતી હોય તેમ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.પોસ્ટ ખાતાના ઉપલા અધિકારીઓની બેદરકારીને કારણે સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સહિત હજારો ખાતેદારોને સમયસર ન્યાય મળતો ન હોવાની ફરિયાદો વર્ષોથી ઉઠી રહી છે,ત્યારે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે તે ખૂબ જરૂરી જણાય છે. જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે એપીએમસીના મકાનમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી પોસ્ટ ઓફીસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.જે મકાન છેલ્લા દસેક વર્ષથી અતિ જર્જરિત હાલતમાં હોઈ ફરજ બજાવતો સ્ટાફ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.તેમજ આ મકાનને રીપેરીંગ કરવા અથવા તો બદલવા અધિકારીઓને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમ છતાં તે પ્રત્યે આજ દિન સુધી ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનું સ્ટાફ દ્વારા જાણવા મળે છે. અહીંયા જણાવવું જરૂરી છે કે, વર્ષોથી આ મકાન જર્જરીત હોય ચોમાસાના સમયે છત ઉપરથી વરસાદી પાણી કાર્યાલયમાં પડતા ટપાલો સહીત ઓફિસના દફતર અને કોમ્પ્યુટર જેવા સાધનોને નુકસાન પહોંચી રહ્યું છે.જ્યારે ગત રોજ રવિવાર રાત્રિના સમયે આ પોસ્ટ ઓફિસની છતના પોપડા ખરી પડતા કાર્યાલયમાં ખંડેર જેવી હાલત જોવા મળી હતી.કાર્યાલયમાં બેસી ફરજ બજાવવી તે મોતને માથા ઉપર લઇ બેસવા જેવી હાલત જોવા મળી હતી. જ્યારે વરસાદી પાણી પણ ઓફિસમાં રેલાયેલા હોય બેસવાનું તો ઠીક પરંતુ ઉભું પણ રહેવાય નહીં તેવી સ્થિતિ જોવા મળી હતી.જોકે છતના પોપડા રાત્રિના સમયે પડતા સદભાગ્યે જાનહાની ટળી છે.પરંતુ ચાલુ કાર્યાલયે છતના પોપડા પડ્યા હોત તો પોસ્ટના તમામ કર્મચારીઓ ઘાયલ થયા હોત તેવું નજરે જોતા જણાઈ આવ્યું હતું. સુખસર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જર્જરિત મકાન ના કારણે જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.સાથે-સાથે અવારનવાર નેટમાં સર્જાતી ખામીના કારણે પોસ્ટના ખાતેદારોને અઠવાડિયાઓ સુધી ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.તેના લીધે ક્યારેક પોસ્ટના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે બોલાચાલીના બનાવો પણ બને છે.પરંતુ કર્મચારીઓ મજબૂરીવશ સહન કરી લેતા હોય છે.જોકે હાલમાં પણ છેલ્લા દસ દિવસ ઉપરાંતથી નેટ બંધ હોવાના કારણે સ્ટાફ સહિત ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.અને જેની જાણ પણ ઉચ્ચ અધિકારીઓને કરવા છતાં નેટ ચાલુ કરવામાં નહીં આવ્યુ હોવાની ફરિયાદ સ્ટાફ અને ગ્રાહકો દ્વારા જાણવા મળી હતી. સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રામ ભરોસે છોડી લાગતા-વળગતા અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમા પોઢી રહ્યા છે.ત્યારે તેઓ તેમની આળસ છોડી સુખસર પોસ્ટ ઓફિસ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપી પોસ્ટનું મકાન બદલે તો આવનાર સમયમાં થનાર જાનહાનિ બચાવી શકાય તેમ છે.તેમજ અવાર- નવાર દિવસો કે અઠવાડિયાઓ સુધી નેટની સુવિધા સ્થગિત થઈ જાય છે તેમાં સુધારો કરે તો ફરજ બજાવતા સ્ટાફ સહીત પોસ્ટના ગ્રાહકોને સરળતા રહે તેમ છે. *ફોટો*÷સુખસર પોસ્ટ ઓફિસનુ જર્જરિત મકાન તથા કાર્યાલયમાં ખરી પડેલા પોપડા નજરે પડે છે.રિપોર્ટ : રાહુલ .ચરપોટ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version