પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

0
11

પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
દાહોદ જિલ્લામાં રૂ. ૧૧૦૦ લાખના ખર્ચે ૧૪૧૯ વિકાસકામોનું આયોજન
વર્ષ ૨૦૨૦-૨૧માં મંજૂર કરાયેલા ૩૯૭૩ કામોમાંથી ૨૫૮૩ કામો પૂર્ણ, ૧૩૮૫ કામો પ્રગતિ હેઠળ
દાહોદ, તા. ૬ : દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. બેઠકમાં મંત્રી શ્રી વસાવાએ દાહોદમાં રૂ. ૧૧૦૦ લાખના ખર્ચે કુલ ૧૪૧૯ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ગત વર્ષના આયોજનના કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, જિલ્લાના સમગ્ર વિકાસને કેન્દ્રમાં રાખી આયોજન કરવું જરૂરી છે તેમજ તેનું એટલું જ અસરકારક અમલીકરણ પણ જરૂરી છે. વિકાસકાર્યોના ફળ લોકો સુધી પહોંચવા જોઇએ. લોકોના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી છે. દાહોદ જિલ્લામાં અત્યારે વર્ષ ૨૦૧૮-૧૯ તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ ના આયોજનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ માં મંજૂર કરવામાં આવેલા ૩૯૭૩ કામોમાંથી ૨૫૮૩ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે ૧૩૮૫ કામો પ્રગતિ હેઠળ છે.
તેમણે જણાવ્યું કે, આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૧૧૦૦ લાખના કુલ ૧૪૧૯ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન અંતર્ગત રૂ. ૮૧૫.૫૦ લાખના ૧૦૯૬ કામો, ટી.એ.એસ.પી અંતર્ગત રૂ. ૨૩૫ લાખના ૨૭૮ કામો, ખાસ અંગભૂત અંતર્ગત રૂ. ૨૭ લાખના ૩૫ કામો અને ૫ ટકા પ્રોત્સાહક અંતર્ગત રૂ. ૨૨.૫૦ લાખના ૧૦ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, મનરેગા યોજનાથી ગ્રામીણ વિસ્તારોને વધારેમાં વધારે લાભ થાય એવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે. આપણે પણ એ રીતે આયોજન કરવું જોઇએ કે મનરેગા હેઠળ વધારેમાં વધારે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઉપલબ્ધ બને. અત્યારે દાહોદ જિલ્લો મનરેગા હેઠળ રોજગારી આપવાની બાબતમાં સમગ્ર રાજયમાં અગ્રેસર છે ત્યારે આ વર્ષે પણ મનરેગા હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ જિલ્લામાં રૂ. ૧૬૧.૯૫ લાખના કુલ ૧૨૪ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત નગરપાલિકા માટેના આયોજનમાં દાહોદ નગરપાલિકામાં ૨૫ લાખના કુલ ૩ કામો, ઝાલોદ નગરપાલિકા અંતર્ગત ૨૫ લાખના કુલ ૬ કામો તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા અંતર્ગત ૨૫ લાખ રૂ. ના ૨ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજન મંડળના બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી કે.એસ. ગેલાતએ સમગ્ર આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી વજુભાઇ પણદા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, એસપી શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક શ્રી આર.એમ. પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી વિકાસ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા વનવિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here