પ્રતિમા વેદના-૧૯: પરગજુ જવાંમર્દ સ્વ . ધનજીભાઈ સાંતીદાસ પટેલ

0
64

સત્ય શબ્દના બખ્તર પહેરેજી, શીલ ટોપે શિરે ધારે,
જ્ઞાનખડગને હાથ કરે નિજ, મંદમત્સર મોહ મારે.

– ત્રિભુવન પ્રેમશંકર “મસ્તકવિ”

ચાણસ્માની ધરતી બહુરત્ના વસુંધરા છે. અહીં કેટલાક શુરવીરો પણ પેદા થયા છે. ચાણસ્માના ગોંદરે ઉભા કરેલા પાળિયા બોલે છે, લોકોની સ્મૃતિમાં સંઘરાયેલી કોઈ વીરગાથાઓ એની સાક્ષી પૂરે છે. આવો જ એક વીર નર એટલે ધનજીભાઈ સાંતીદાસ પટેલ. તેમનો જન્મ આશરે ૧૮૯૪ માં થયેલો. ચાણસ્માની સીમમાં સાડા છ ફૂટની ઊંચાઈ અને પડછંદ કાયા ધરાવતા હથિયાર ધારી ઘોડેસવાર, ધનજીભાઈને જોઈ ચારિયણ બહેનો અને ખેડૂતભાઈઓ એક હાશકારો અનુભવતા, પાકભેલાણ, સીમચોરી, ઢોરચોરીના તે જમાનામાં ચાણસ્મા તાલુકાની સીમ સુરક્ષિત રાખનાર, આ વીર બંકો હતો. બનાસકાંઠા, રાજસ્થાન અને સિંધ સુધી તેમની શૂરવીરતા પંકાતી હતી. બાડમેર, બાલોત્રા સુધી પહોંચી ચોરાયેલાં ઢોર પાછાં વાળી ખેડૂઓને હૂંફ આપ્યાનાં અનેક ઉદાહરણો છે. બહારવટિયા મીરખાં અને ગોખરવાના બહારવટિયા સોનાજી ઠાકોરે ધનજીભાઈનું માન જાળવી ચાણસ્મામાં કદી પ્રવેશ કર્યો નહોતો.

ભયંકર આગ લાગી હોય ત્યારે અથવા અન્ય પ્રકારની આપત્તિવેળાએ મોતને મુઠ્ઠીમાં લઈ ફરનાર ધનજીભાઈ કૂદી પડે. કોઈક બાળકને આગમાંથી ખેંચી કાઢીને કે સીમમાં માથાભારે વ્યક્તિઓને હાક મારી ભગાડી મૂકી સ્ત્રીઓ અને ખેડૂતોને સલામતી બક્ષે. એક વાર ભરદરિયાના બોરના સજજડ પાઈપને બાથ ભીડી ખુલ્લો કરી બંધ પ્રવાહને વહેતો કરવાનું હેરતભર્યું બાહુબળ ધનજીભાઈએ બતાવેલું.

બીજા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ પામેલા ધનજીભાઈ આગવી કોઠાસુઝથી કોર્ટ-કચેરીમાં અદલ ઈન્સાફની લવાદી કરી સમાધાન કરાવી અનેકની દુઆ લઈ તેમણે ઈસ્માલિયા કોર્ટ તરીકેનું માનભર્યું ઉપનામ મેળવ્યું હતું. બદનામ અધિકારીઓ અને પોલીસો તેમનાથી ડરતા. નિમ્બાલકર જેવા ફોજદારને ખોટી રીતે નમતું નહીં આપનાર આ જવાંમર્દ ગાયકવાડી સ્ટેટમાં સારી એવી વગ ધરાવતા. તેમના હૈયે વસેલા લોકહિતને તે આભારી હતું. તેમનું અવસાન સને ૧૯૪૬ માં પ૨ વર્ષની ઉમરે થયેલું. તે વખતે તેમના પુત્ર શ્રી વિક્રમભાઈની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. શ્રી વિક્રમભાઈને તેમના પિતાશ્રીના નામ અને કામની કમાણીનો સને ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણી વખતે વિજય બનાવવામાં ખૂબખૂબ ફાળો હતો. સાચેજ ધનજીભાઈ ચાણસ્મા ગામની આન અને શાન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here