પ્રતિભા વંદના-14 “શિવાકાકા” સ્વ. શિવરામ મૂળચંદ મિસ્ત્રી

0
480

કોના દિલમાં હજી નિરાશા?
કોણ હજી ફરિયાદ કરે?
કોણ એવા બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે?
છોડો એને , ચાલો સાથી !
ખુલ્લાં ખેતર સાદ કરે:
દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની !
-નાથાલાલ દવે

ચાણસ્માની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયેલા મિસ્ત્રી શિવરામ મૂળચંદ (શિવાકાકા)નો જન્મ આશરે ૧૮૯૫માં થયો હતો . ચાણસ્મા હાઈસ્કૂલના બાંધકામમાં સતત કાર્યરત રહેલા શ્રી શિવાકાકા ઈમારતી લાકડાના વેપારી હતા. તેમનામાં ઈમારતની માવજતનો ગુણ અને વિદ્યાર્થીવૃદં પ્રતિ વાત્સલ્યભાવ તરબતર હતો. અભ્યાસ અંગ્રેજી ધોરણ ચાર સુધીનો જ પણ ભણતર કરતાં ઘડતર અને ગણતરમાં ભારે પારંગત. કુટુંબની સઘળી જવાબદારીઓનું વહન કરતાં કરતાં ચાણસ્માના પ્રત્યેક કાર્યમાં સર્વદા તત્પર રહેતા.

કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે વરસો સુધી રહ્યા. ચાણસ્મા સુધરાઈના સદસ્ય રહી તેમજ નગર વિકાસ સમિતિના સભ્યપદે રહીને અમૂલ્ય સેવાઓ આપી. સર્વોદય પ્રવૃત્તિઓના અગ્રણી ડૉ . જોષી સાહેબના નેતૃત્વ હેઠળ ચાણસ્મા તાલુકાની ભૂદાનયાત્રામાં જોડાઈ સેવા સૌરભ ફેલાવતા રહ્યા. તેમણે જે. પી. ( જસ્ટિસ ઓફ પીસ )નું માનદ્ પદ ત્રણ વર્ષ શોભાવ્યું. ગાંધી આશ્રમ ઝીલીઆના ટ્રસ્ટી તરીકે કામ કર્યું. તેઓ સંસ્થા કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યા.

સદાય નિર્મળ હાસ્ય વેરતા શિવાકાકા સત્વશીલ અને ધર્મપરાયણ હતા. મહેસાણા વિશ્વકર્મા મંદિરના બાંધકામમાં વિશેષ રસ દાખવી ગુર્જર સમાજમાં અગ્રેસર બની રહ્યા. ચાણસ્માના કેળવણી ક્ષેત્રે અનેકવિધ સમિતિઓમાં સર્વશ્રી ભગુભા, અંબાલાલ શિવલાલ વકીલ, નારણભાઈ અમીચંદદાસ પટેલ વગેરેના સહયોગી બની ચાણસ્માના નવ ઘડતરમાં સતત પૂરક બનતી રેહ્યા. શિવાકાકાનું તા . ૧૪-૯-૭૮ના રોજ દેહાવસાન થયું. આ કર્મઠ વ્યક્તિની જીવનફોરમ હજુય ફોરતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here