Home Local News પ્રતિભા વંદના-૧૨ : સાથીઓના સલાહકાર સ્વ. નારણભાઇ અમીચંદદાસ પટેલ

પ્રતિભા વંદના-૧૨ : સાથીઓના સલાહકાર સ્વ. નારણભાઇ અમીચંદદાસ પટેલ

0

લોભ, લાલચ, મોહ, મત્સર, ક્રોધને,
આજ ત્યાગી સાધુ થઇ આથડવું છે.

-સંદીપ પટેલ “કસક”

સને ૧૯૦૧માં શ્રી નારણભાઈનો જન્મ થયેલો. ચાણસ્મામાં જ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરી મુંબઈના જૈન દેરાસરમાં નોકરી અર્થે ગયા. ત્યાં સમાજ સુધારાના રંગે રંગાયા. મુંબઈમાં તેમની સાથે રહેતા શ્રી અંબાલાલ શિવલાલ વકીલના નેતૃત્વ તળે સમાજ સુધારાની પ્રવૃત્તિને વેગ આપતા રહ્યા. મુંબઈમાં “કડવા પાટીદાર હિતકારક મંડળ” ની સ્થાપના કરી . પાટીદાર સમાજના કુરિવાજોનું ખંડન કરતા તીખા લેખો લખી પ્રવૃત્તિઓ આદરનાર આ બન્નેયને સંકીર્ણ વિચારધારાના સમાજિક આગેવાનોએ સમાજ બહાર મૂકાવ્યા. નારણભાઈ મુંબઈ છોડી નીપાણી ગયા. ત્યાં વેપાર ધંધાને વેગ મળ્યો. લગભગ પચાસ વર્ષની ઉમરે ધંધામાંથી નિવૃત્ત થયા પછી તેઓ ચાણસ્મામાં સ્થિર થયા.

ચાણસ્માની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈને સક્રીય કામગીરી આરંભી. તેઓ ચાણસ્મા સહકારી મંડળીના પ્રમુખ બન્યા. ધી મહેસાણા ડી. સે. કો. ઓ. બેન્કમાં પણ વર્ષો સુધી સેવા આપતા રહ્યા. ચાણસ્મા માર્કેટયાર્ડના પ્રથમ પ્રમુખ બની તટસ્થભાવે સારી સેવા બજાવી. અંગત કૌટુંબિક લાભ મેળવવાથી દૂર રહ્યા. લાલજી લક્ષ્મીદાસ ટ્રસ્ટના ટ્રસ્ટી બની તેમાં સારી સેવા આપી. ચાણસ્મા નગર પંચાયતમાં પણ સક્રિય રહ્યા. ચાણસ્માની નવરચનામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

તે દિવસોમાં ચાણસ્મામાં દેનાબેન્ક એક માત્ર બેન્ક હતી તેથી પૂરતી આર્થિક સગવડ માટે ચાણસ્મા નાગરિક સહકારી બેન્કની સ્થાપનામાં સક્રિય રસ લીધો. ચાણસ્મા કેળવણી મંડળમાં પણ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. રાજકીય કે સામાજિક કામોમાં તેઓ ગામના અન્ય અગ્રણીઓ સાથે રહી સક્રિય ભાગ ભજવતા રહ્યા. તેમનું ઘર અતિથિસત્કાર અને જાહેર સેવા માટે જાણીતું બન્યું હતું.

સને ૧૯૭૦ માં શ્રી નારણભાઈનું અવસાન થયું. તેઓ વિચારશીલ, નીડર, શુભચિંતક અને કાર્યકરોના સાચા સલાહકાર હતા .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version