મુબારક હજો તેજ-અંબર સૌને,
અમોને અમાસોની જહોજલાલી,
પ્રસાદો સદા પમજો જાતરાળુ,
અમારે ભલી એકલી રંગપ્યાલી.
– મકરંદ દવે
“સકલ લખી પ્રભુની છે ” એવું જેના હૈયે વસ્યું હતું તેવા શ્રી ડાહ્યાભાઈ જયચંદભાઈ ભાવસારનો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૯૨૭ ના રોજ થયેલો. પાંચ વર્ષના થયા ત્યાં તો પિતાનું સુખ ગુમાવી બેઠા. ભંડારામાં રહી મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો અને બબાભાઈ જીવીદાસ પટેલના સહકારથી ધંધામાં કુશળતા કેળવી ધનાઢ્ય બન્યા. ચાણસ્મામાં તેમનું રોકાણ ટૂંક સમય માટે રહેતું પણ આવે ત્યારે ચાણસ્માના વિકાસ માટે, જે કંઈ કરી છૂટવા જેવું હોય તે કરીને જ જંપે . ચાણસ્માના એમના ઘરમાં જુઓ કે કલકત્તાની પોલોક સ્ટ્રીટમાં જુઓ, એ જ સફેદ ધોતી , ઝભ્યો અને પગમાં ચંપલ સાથે ઘૂમતા મિતભાષી શ્રી ડાહ્યાભાઈને જોતાં જ સૌજન્યમૂર્તિનાં દર્શન થયાનો અહેસાસ થયા વગર રહે નહીં. તેઓ અજાતશત્રુ હતા.
ચાણસ્મા કેળવત્રી મંડળની સ્થાપનાથી ઉદારદિલ ડાહ્યાભાઈ જરૂર પડ્યે કેળવણીના ઉત્કર્ષ માટે ઘસાઈ છૂટયા છે . ચાણસ્મા કેળવત્રી મંડળના પ્રમુખ હોવા છતાં ચાણસ્માની બીજી કેળવણી સંસ્થા નવચેતન હાઈસ્કૂલને ઉદારદિલે દાન આપી વિશાળતા બતાવી, અમદાવાદમાં ભાવસાર સમાજની બોર્ડિંગ બંધાઈ તેમાં પણ ઉદારતાથી ફાળો આપ્યો. ચાણસ્મામાં કોલેજ થાય તો સારું એવું સ્વપ્ન તેમણે સેવેલું. તેઓ જ્ઞાનકૌશલ્ય શ્રેણી માટે મદદરૂપ થયેલા.
રામાયણ, ગીતા અને વેદના વાચનને જીવનમાં ઉતારવા તેઓ સતત મથતા રહ્યા. ભંડારામાં ગૌશાળા સ્થાપી , કટાવ ગામે ધર્મશાળા કરી આપી . ડૉ. જોષી સાહેબના સંપર્કમાં આવતાં વડનગરના નાગરિક દવાખાના માટે મદદ કરી. ચાણસ્મા માટે જે સમયે તાતી જરૂર હતી તે સમયે જ એબ્યુલન્સ કાર આપી. ચાણસ્મામાં સ્મશાનગૃહ બાંધી આપ્યું. પાણીનો બોર કરી આપ્યો. ચાણસ્મા મુકામે યોજાયેલા ભાવસાર સમાજના સંમેલનમાં તેમણે ખૂબ મદદ કરી સફળતા અપાવી. જમીન અને ગાયો આપી ભૂદાન ચળવળને પણ સમર્થન આપ્યું.
તેઓ ભંડારામાં વસતા હોવા છતાં અવારનવાર ચાણસ્મા અને અમદાવાદ આવી કેળવણી અને સમાજસેવામાં ઓતપ્રોત થતા. તેમણે પાટણવાડા ભાવસાર સમાજના પ્રમુખ તરીકે રહી સેવા બજાવી છે. ગુપ્ત દાન તો ઘણાં જ આપ્યાં છે. સ્નેહ અને ઔદાર્યનું બીજું નામ એટલે ડાહ્યાભાઈ. એમણે પૈસાને કદી પોતાની માલિકીનો માન્યો જ નથી. એ ઇશ્વરની કૃપા સમજી સંપત્તિના ટ્રસ્ટી તરીકે વિનમ્રભાવે વર્તતા. એમનું ઘર સાધુઓનું આશ્રયસ્થાન બની રહેતું. “સાધુ ભૂખા ન જાય” એમના મનમાં વસેલી ભાવના હતી. ૧૯૭૩ના મે મહિનામાં તેમનું અવસાન થતાં ચાણસ્માએ ઉદારચરિત , ધર્મપરાયણ, નિસ્પૃહી એવો અગ્રણી ગુમાવ્યો. કૃતજ્ઞભાવે આ મહાનુભાવને વંદના !