
શ્રી ડી.પી.રાજપૂતની વહીવટી કુશળતા અને મિડીયા મેનેજમેન્ટની કામગીરીને બિરદાવી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવતાં કલેકટરશ્રી આનંદ પટેલબનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે ઇ.ચા. નાયબ માહિતી નિયામક તરીકે છેલ્લા ચાર વર્ષથી સેવા આપતા શ્રી ડી. પી. રાજપૂત વયમર્યાદાના લીધે નિવૃત્ત થતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ધ્વારા પાઘડી પહેરાવી, શ્રીફળ, સાકર તેમજ શાલ, ફુલહાર અને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રી ડી.પી.રાજપૂતની કાર્યશૈલી અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમને બિરદાવ્યાં હતાં. બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે નાયબ માહિતી નિયામકશ્રી ડી. પી. રાજપૂતને પુષ્પહગુચ્છ અને શાલ ઓઢાડી ઉષ્માઆસભર વિદાય આપી હતી. કલેકટરશ્રીએ શ્રી ડી.પી. રાજપૂતની વહીવટી કુશળતા અને મિડીયા મેનેજમેન્ટ સહિતની કામગીરીને બિરદાવી નિવૃત્ત જીવનની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, શ્રી રાજપૂતે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સારું સંકલન રાખી સારા વિચારોની સુવાસ ફેલાવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રી ડી. પી. રાજપૂત વર્ષ-૨૦૧૭ થી પાલનપુર માહિતી કચેરી ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં. જેમની વહીવટી કુશળતા તથા લાગણીશીલ અને હસમુખા સ્વભાવની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને પત્રકાર મિત્રો સાથે સારુ સંકલન કેળવી સરકારની હકારાત્મક છબી ઉપાસવવામાં મહત્વનું યોગદાન આપ્યુંક છે. શ્રી ડી.પી.રાજપૂતે તેમની સરકારી નોકરીના ૩૭ વર્ષ જેટલી દીર્ઘ સેવાઓમાં મહેસાણા, જામનગર, અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, પાટણ અને પાલનપુર ખાતે સરસ કામગીરી કરી સાથી કર્મચારીઓમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે શ્રી ડી. પી. રાજપૂતે તેમની માહિતી ખાતાની ફરજ દરમ્યાન પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સહભાગી થનાર દરેક વ્યક્તિઓનો અતઃકરણથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, માહિતી નિયામકશ્રી અને અધિક માહિતી નિયામકશ્રીએ મારા પર ભરોશો અને વિશ્વાસ મુકી ખુબ જ લાંબા સમય સુધી ક્લાસ-૧ નો ચાર્જ મને આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. તેમણે પોતાની સેવાની સફળતાનો શ્રેય સ્ટાફના તમામ સભ્યોને આપ્યોબ હતો. તેમણે જણાવ્યું હતુ કે, સરકારી સેવાના સમય દરમ્યાન ઘણુ જાણવા, શિખવાની સાથે- સાથે કર્મચારીઓનો ખૂબ જ પ્રેમ અને હુંફ મળી છે જે મારા માટે કાયમી સંભારણું બની રહેશે. પાટણ જિલ્લાના નાયબ માહિતી નિયામકશ્રી અમિતભાઇ ગઢવીએ શ્રી ડી.પી.રાજપૂતને વિદાયમાન આપતાં ખુબ જ વહીવટી કુશળ અધિકારી ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે, સરકારશ્રીના મોટા અભિયાનો સમયે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને મદદરૂપ થઇ ખુબ સારું કામ કર્યું છે તે તેમની પોઝીટીવીટીને આભારી છે. આ વિદાયમાન પ્રસંગે જિલ્લા તિજોરી અધિકારીશ્રી જે.આઇ.દેસાઈ, શ્રી ડી.પી.રાજપૂતના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબા રાજપૂત, પુત્રી ર્ડા. સ્નેહાબા રાજપૂત, મહેસાણા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એમ.પટેલ, નિવૃત્ત સહાયક માહિતી નિયામકશ્રી માનસિેંહ સિસોદીયા, નિવૃત્ત ના. કા. ઇજનેરશ્રી એસ.જી.પટેલ, પાલનપુર કચેરીના સિનિયર સબ એડિટેરશ્રી રેસુંગભાઈ ચૌહાણ, સુપરવાઈઝરશ્રી ગુલાબસિંહ પરમાર, સહાયક અધિક્ષક શ્રીમતી ઉષાબેન ઉપાધ્યાય, ફેલોશ્રી દિનેશ ચૌધરી, ફોટોગ્રાફરશ્રી ભરતભાઈ ચડોખીયા, અશોકભાઈ ચડોખીયા સહિત પાલનપુર અને પાટણ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.