પાલનપુર તાલુકાના ગઢ મુકામે સ્કાયનેટ આઇ.ટી.આઇ. કોલેજમાં બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં કચ્છ- ભૂજની સુજલોન કંપની દ્વારા કંપની દ્વારા ૨૫ થી વધુ વિધાર્થીઓની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. પવન ચક્કીના પાર્ટસ બનાવતી આ કંપની દ્વારા યુવાનોને રોજગારી સાથે રહેવા- જમવા અને નોકરીના સ્થળે લાવવા- લઇ જવાની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. તેમ આઇ.ટી.આઇ. કોલેના આચાર્યશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ વાઘેલાએ જણાવ્યું કે, યુવાનોને નોકરી મળે તે માટે આઇ. ટી. આઇ. માં વિવિધ ટ્રેડના સ્કીલ ડેવલપમેન્ટના કોર્ષ ચલાવવામાં આવે છે. તેમણે નોકરી મેળવનાર યુવાનોના પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, કચ્છ જોવા માટે દેશ અને દુનિયામાંથી લોકો આવે છે ત્યારે તમારા લાડકવાયા દિકરાઓને કચ્છમાં નોકરી મળી છે તે ખુબ આનંદની બાબત છે. તેમણે ઉમેર્યુ કે સુજલોન કંપની પવન ચક્કીના પાર્ટસ બનાવવાનું કામ કરે છે જેનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે. તેમાં તમારા યોગદાનથી રાષ્ટ્ર ના વિકાસમાં નવી ઉર્જાનો સંચાર થશે.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં આઇ.ટી.આઇ. કોલેજના પ્રમુખશ્રી રમેશભાઇ એમ. પટેલે જણાવ્યું કે, વર્ષ-૨૦૦૯ થી ગઢમાં આઇ.ટી.આઇ. ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અવાર-નવાર રોજગાર ભરતી મેળાઓ યોજી યુવાનોને રોજગારી મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી દિલીપસિંહ વાઘેલા, ડાહ્યાભાઇ પિલીયાતર, કનુભાઇ વ્યાસ, ભગુભાઇ કુગશીયા, લાલજીભાઇ પ્રજાપતિ, મોતીભાઇ પાળજા, અમરતભાઇ દેસાઇ, ભરતભાઇ પરમાર, જયેશભાઇ દવે, અમીષપુરી ગોસ્વામી, હરીભાઇ ભુટકા, ખુશાલભાઇ અંબાણી, ટી.પી.રાજપૂત સહિત આગેવાનો, ગઢ સરપંચશ્રી વસંતભાઇ રાઠોડ, આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી, વિધાર્થીઓ અને વાલીઓ તથા ગ્રામજનો સારી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતાં.