પાલનપુર જિલ્લા પંચાયત ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને હાર્ટ એટેકમાં પ્રાથમિક સારવાર માટે કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR) ની તાલીમ અપાઈ

0
9

(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલનપુર જિલ્લા પંચાયત ખાતે હાર્ટ એટેકમાં પ્રાથમિક સારવાર માટે અધિકારીઓ અને કર્મચારીઓને કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR) ની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ તાલીમમાં હાર્ટ એટેક આવે તેવા સમયે પ્રાથમિક સારવારમાં શું કરી શકાય તે માટે કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR) અંગેની પ્રેક્ટીકલ તાલીમ આપી બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે પાલનપુર સીવીલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રી તરંગ ગોહિલે રિહર્સલ દ્વારા સમજાવ્યું હતું. આ પ્રસંગે ર્ડા. તરંગ ગોહિલે જણાવ્યું હતુ કે, હાર્ટ એટેકના સમયે બે થી ત્રણ મિનીટ ખાસ હોય છે તે સમય યોગ્ય રીતે કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR) કરવામાં આવે તો કોઈનું જીવન બચાવી શકાય છે. તેમણે કહ્યું કે હાર્ટ એટેક આવે ત્યારે પુખ્તવયના માણસમાં બન્ને ફેફેસાના વચ્ચેના ભાગમાં ૩૦ વખત છાતી ૫ સે.મી. જેટલી દબાય તેવી રીતે પુશઅપ કરી બે વખત મોંઢાથી શ્વાસ આપવો જોઇએ તેમજ એક વર્ષથી નાનું બાળક હોય તો હાથના બે અંગુઠા વડે ૧૫ પુશઅપ ૧ થી ૨ સે.મી. છાતી દબાય તે રીતે પુશઅપ કરી બે શ્વાસ આપવા અને શ્વાસ આપવાની પ્રક્રિયા બે વખત કરવી તેમજ પુશઅપની પ્રક્રિયા ફરીથી કરી શ્વાસોશ્વાસમાં શ્વાસનળી સીધી રાખવી જેથી ઉંડે સુધી શ્વાસ પહોંચાડી શકાય. જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને સી.પી.આર.ની આ પ્રક્રિયાનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે જણાવ્યું કે, કુદરત ન કરે પરંતું આપણા પરિવાર કે ઓફિસમાં કોઈ સ્ટાફ મિત્રને, સગાસબંધીને હાર્ટ એટેક આવે ત્યારે તેમને પ્રાથમિક સારવાર આપવા અંગેની માહિતી આપણી પાસે હોવી ખુબ જ જરૂરી છે. આપણી એક જાણકારી કે સી.પી.આર.ની આવડતથી કોઇકની જિંદગી બચાવી શકાય છે. એટલે જ આ તાલીમમાં મળેલી માહિતી આપણને ખુબ ઉપયોગી સાબિત થશે.
આ તાલીમમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. એન. દેવ, એપેડેમિક મેડીકલ ઑફિસર શ્રી ડૉ. એન. કે. ગર્ગ, સીવીલ સર્જનશ્રી ડૉ. ભરત મિસ્ત્રી, આર.સી.એચ.ઓ. ડૉ. જીગ્નેશ હરિયાણી સહિત ર્ડાક્ટરો તેમજ જિલ્લા પંયાયતની વિવિધ શાખાઓમાં ફરજ બજવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here