પાલનપુરના વોર્ડ નં.૮ની ઉમાનગર સોસાયટીના રહીશોએ ગટર તથા રોડ બાબતે નગરપાલિકામાં અરજી આપી

0
6


સોસાયટીમાં ગટરના અભાવે ગંદા પાણી રસ્તા પર રેલાતા રસ્તાઓ પર ગંદકીના થર જામ્યા, સોસાયટીના કોમન પ્લોટમાં જ ગંદુ પાણી ભરાઇ રહેતા ગંદા પાણીનું તળાવ નિર્માણ થવા પામ્યું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અહીંના રહીશો મચ્છરજન્ય રોગચાળાના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.


(પાલનપુર) તા.૨૫
આજરોજ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.૮ માં આવેલ ઉમાનગર સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ગટર અને રોડ બાબતે નગરપાલિકામાં અરજી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર શહેરના આકેસણ રોડ પર વોર્ડ નં.૮માં ઉમાનગર સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં ગટર અને રોડના અભાવે રસ્તા વચ્ચે જ કાચી ગટરો બનાવી સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણીનો નિકાલ થતા રસ્તાઓ ઉપર ગંદકીના થર જામી ગયા છે. સોસાયટીમાં રાહદારીઓ તથા વાહનચાલકોને પણ રસ્તા ઉપરથી પસાર થતા મુશ્કેલી પડી રહી છે. જ્યારે રસ્તા પરની આ કાચી ગટરોમાં જ ગંદા પાણીનો નિકાલ થતા આ ગંદુ પાણી સોસાયટીના કોમન પ્લોટમાં એક જ જગ્યાએ જમા થતા કોમન પ્લોટમાં ગંદા પાણીનું તળાવ બની જવા પામ્યું છે. આ ગંદા પાણીના તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સોસાયટીના રહીશો મચ્છરજન્ય રોગચાળાના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.
પાલનપુર શહેરના વોર્ડ નં.૮ માં દરેક સોસાયટીઓમાં ગટર તથા રોડની સુવિધા આપવામાં આવી છે ત્યારે ઉમાનગર સોસાયટીને ગટર તથા રોડથી વંચિત રાખી નગરપાલિકાના શાસકો દ્વારા દેખિતો ભેદભાવ કરાઇ રહ્યો છે. ત્યારે સત્વરે ઉમાનગર સોસાયટીમાં ગટર તથા પાકા રસ્તાની સુવિધા આપવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી અને આ બાબતની અરજી નગરપાલિકામાં આપી અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાને પણ જાણ સારૂ તથા સત્વરે ન્યાય અપાવવા બાબતે રવાના કરી હતી.
ત્યારે ઉમાનગરના રહીશોએ બનાસ ગૌરવને જણાવ્યું હતું કે, “અમોને ખાતરી છે કે પાલનપુર નગરપાલિકા દ્વારા અમારી માંગ પુરી કરવામાં આવશે તથા મા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા મા. રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા અમારી માંગ બાબતે અમને ન્યાય અપાવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here