તસ્કરોની ચોરી કરવાની નવી તરકીબથી વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા : પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માંગ ઉઠી..
પાટણ તા.25
પાટણ શહેરમાં દિવસે દિવસે તસ્કર ટોળકી નવા કસબ અજમાવી ચોરીના બનાવોને આબાદ અંજામ આપી રહ્યા છે ત્યારે શુક્રવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ નવી તરકીબ યોજી લીધી હોય તેમ શહેરના દિવ્ય આશિષ કોમ્પલેક્ષમાં વેપારીઓની દુકાનની બહાર લગાવેલ એસીના કમ્પ્રેસરોની પિત્તળની પાઈપોની ચોરી કરી પલાયન થયા હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે.
આ ચોરીની ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં કેટલાક દિવસોથી ઘરફોડ ચોરીને અંજામ આપતી કેટલીક તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ તાજેતરમાં જ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ત્રણ જેટલી સોસાયટીઓ ના પાંચ જેટલા મકાનોને ચડ્ડી ધારી ગેંગે નિશાન બનાવી હજારો રૂપિયાની માલમતા ઉઠાવી લઈ જઈ ચોરીના બનાવ ને આબાદ અંજામ આપી ફરાર થયા હોવાની ઘટના યસ ધામ સોસાયટીના સીસીટીવી ફુટેજમાં કેદ થયું હોવા છતાં પોલીસ આજદિન સુધી આ ચડ્ડી ધારી ગેંગને પકડવામાં અસમર્થ બની છે. ત્યારે શુક્રવારની મોડી રાત્રે પાટણ શહેરના રેલવે ના પ્રથમ ગરનાળા નજીક આવેલ દિવ્ય આશિષ કોમ્પલેક્ષમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધાનાં સ્થળ ઉપર લગાવેલા એસીના કમ્પ્રેસર ને તસ્કરોએ નિશાન બનાવી પિત્તળની પાઇપો ચોરી અંદાજીત રૂપિયા 20 હજારનું નુકશાન કરી તસ્કરો પલાયન થયા હોવાની ઘટના વહેલી સવારે દુકાને આવેલા વેપારીઓને જાણ થતાં તેઓ પણ આવાક બની ગયા હતા. અને તસ્કર ટોળકી હવે તો નિત નવી તરકીબો અજમાવી ચોરીના બનાવને અંજામ આપી રહ્યા હોવાને લઇ વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આ ચોરીની ધટના પણ સીસીટીવી કેમેરા કેદ થઇ હોય પરંતુ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરી હોવાનું જાણી શકાયું નથી. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર તેમજ છેવાડાની સોસાયટી વિસ્તારોમાં રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવી ચોરીના બનાવોને અંજામ આપતી તસ્કર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.