પાટણની રાજપુર આઈ.ટી.આઈ. ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાયો.

0
8


ભારત સરકાર દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં આયોજન અંતર્ગત ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં રાજપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૮ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૧૪૬ જગ્યાઓ માટે ભરતીમેળો યોજવામાં આવ્યો હતો.


આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, યુવાનોને રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ કરાવવી એ સર્વાંગી વિકાસ માટેની પ્રાથમિક શરત છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ તાલુકાઓમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓના નિર્માણ અને સંચાલન દ્વારા તે પરિપૂર્ણ કરવામાં આવી રહી છે. અગાઉની સરકારોના શાસનકાળની સાપેક્ષમાં આજે વધુ સુવિધાસભર અને શિક્ષણ વૈવિધ્ય પૂરી પાડતી આઈ.ટી.આઈ. ઉપલબ્ધ છે જે યુવાનોના કૌશલ્યવર્ધન દ્વારા તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે સતત કાર્યરત છે.
વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, આજના સમયમાં રોજગારી મળી જવી એ પૂરતું નથી. યુવાનોએ નિરંતર નવું શિખતા અને પીરસતા રહી સતત પ્રગતિ સાધવી જોઈએ. પરિશ્રમ જ સફળતાની ચાવી છે માટે જે કોઈ સ્થળે રોજગારી મળી હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી ઉજ્જવળ કારકિર્દીના શિખરો સર કરવાના છે.
પ્રાસંગિક ઉદબોધન કરતા ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનોને ઘરઆંગણે તાલીમ મળી રહે તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો. શિક્ષણ ક્ષેત્રની આ વિકાસયાત્રાને ત્યારબાદના મુખ્યમંત્રીશ્રીઓએ આગળ વધારી અને પરિણામે રાજ્યના ૨૫૦ જેટલા તાલુકાઓમાં આજે ૨૮૮ જેટલી આઈ.ટી.આઈ. કાર્યરત છે. આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોના બાળકો માટે તાલુકાદીઠ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ તાલીમ મળી રહે તે માટે રાજકોટ ખાતે દિવ્યાંગ આઈ.ટી.આઈ. સ્થાપી કૌશલ્યવર્ધન થકી રોજગારીની વિપુલ તકો પ્રસ્થાપિત કરી છે. જેના થકી વર્ષ ૨૦૦૨થી ગુજરાત રોજગારી આપવામાં દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
વધુમાં ધારાસભ્યશ્રી દિલીપકુમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના નિયમ મુજબ તાલીમાર્થીને ઔદ્યોગીક એકમ દ્વારા રૂ.૧,૫૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એપ્રેન્ટીસ તરીકે કામ કરતા યુવાનોને તેમની લાયકાત મુજબ રૂ.૩,૦૦૦ સુધીનું વધારાનું સ્ટાઈપેન્ડ ચૂકવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. વર્ષ ૨૦૧૮માં યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષે ૭૭,૦૦૦ યુવાનો અને કોવિડના સમયગાળા અગાઉના પાંચ વર્ષમાં ૧૭ લાખ યુવાનોને રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગીક ભરતી મેળાના આયોજન થકી રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્ય સરકારના દ્રષ્ટીવંત નેતૃત્વમાં આગામી સમયમાં નવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા અંગે વાત કરતાં શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્યમાં સોલાર પાવરના વિશાળ પ્રોજેક્ટ્સ છે ત્યારે તેના મેઈનટેઈનન્સની જરૂરીયાતોને ધ્યાને લઈ અમેરીકાની યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કરી આઈ.ટી.આઈ.ના ઈન્સટ્રક્ટર્સને તેના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. જે રાજ્યના વિદ્યાર્થીઓને તાલીમ આપી નવા ક્ષેત્રોમાં ઉભી થયેલી રોજગારીની જરૂરીયાતોની પૂર્તિ કરશે. સાથે જ ઓક્સિજન પ્લાન્ટના સંચાલન માટે પણ કૌશલ્યવાન માનવબળ ઉભું કરવા તાલીમ આપવામાં આવશે. ધારાસભ્યશ્રીએ ગુજરાતની આવતીકાલ તમારા જેવા યુવાનોના હાથમાં સોંપીએ છીએ ત્યારે માત્ર સ્ટાઈપેન્ડ માટે નહીં પણ પોતાના અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાગીદાર થવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા શીખ આપી હતી.
મદદનીશ કલેક્ટરશ્રી સચીનકુમારે નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે યુવાનોને તાલીમ થકી મેળવેલા કૌશલ્યનો ઉપયોગ કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સચીનકુમારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૦૦ના લક્ષ્યાંક સામે ૧૦૭ ટકા સિદ્ધિ મેળવવા બદલ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયરામભાઈ જોષી, આઈ.ટી.આઈ.ના આચાર્ય સુશ્રી મયુરીબેન પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.એસ.પટેલ, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સી.એસ.આર. મેનેજરશ્રી અરૂણકુમાર ઉપાધ્યાય, જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ અને પ્રાધ્યાપકગણ, નોકરીદાતાઓ તથા ૪૦૦થી વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here