પાટણના પોલીસકર્મીઓ અને પત્રકારો દ્વારા બગવાડા દરવાજા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું..

0
3

ડીડીઓ રમેશ મેરજા, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા તથા નાયબ માહિતી નિયામક અમિત ગઢવી પણ સફાઈ અભિયાનમાં જોડાયા..

પાટણ તા.૧૦
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે રવિવારે પાટણ પોલીસ વિભાગ અને માહિતી વિભાગના સંકલનમાં શહેરના બગવાડા દરવાજાથી સુભાષ ચોક સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, સમગ્ર ઓક્ટોબર મહિના દરમ્યાન ચાલનારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે પાટણ પોલીસ વિભાગના પોલીસકર્મીઓ તથા વિવિધ માધ્યમના પત્રકારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી અને પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા શહેરને સ્વચ્છ બનાવવા આ ટીમ દ્વારા જાહેર સ્થળો પરથી પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરવામાં આવી રહ્યો છે.શહેર સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત બને તેવા સંકલ્પ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરના બગવાડા દરવાજા પોલીસ ચોકી ખાતેથી સવારે પ્લાસ્ટીક એકત્રિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ માહિતી નિયામક અમિત ગઢવી દ્વારા લીલી ઝંડી આપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આ મહાનુભાવો દ્વારા જાહેર રસ્તા પર ઝાડુ વડે સફાઈ કરી ઉપસ્થિત પોલીસકર્મીઓ અને પત્રકારોને સફાઈ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
સફાઈ અભિયાનના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, આજે જિલ્લાના 500 ઉપરાંત રસીકરણ કેન્દ્રો પર પ્રથમ ડોઝ બાકી હોય તેવા તથા બીજો ડોઝ લેવાનો સમયગાળો પૂર્ણ થયો હોય તેવા નાગરિકો માટે રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે નાગરિકોને રસી લેવાની બાકી હોય તે તમામને રસીકરણ માટે અપીલ કરી હતી.
બગવાડા દરવાજા ખાતે મહાત્મા ગાંધીજીની છબીને સુતરની આંટી અર્પણ કરી શરૂ કરવામાં આવેલા સફાઈ અભિયાનમાં પાટણ પોલીસ વિભાગના પોલીસકર્મીઓ તથા વિવિધ માધ્યમો સાથે સંકળાયેલા પત્રકારો દ્વારા બગવાડા દરવાજા વિસ્તાર તથા સુભાષચોક પાસેના સ્લમ વિસ્તાર સહિતના સ્થળોએથી સિંગલ યુઝ પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here