પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાની સાથે તસ્કરોએ હરેશ્વર મહાદેવ, અંબાજી માતાના મંદિર સહિત ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવ્યું

0
2

ચાંદીના નાગ, છતર સહિત દાનપેટીમાંથી રોકડ મળી કુલ રૂ. 1.21 લાખના મત્તાની તસ્કરી કરી ફરાર

વિસનગરના રાવળાપુરા ગામમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાની આગલી રાત્રે અજાણ્યા શખ્સોએ ગામમાં આવેલા હરેશ્વર મહાદેવ, અંબાજી માતાના મંદિર સહિત ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીના નાગ, છતર સહિત દાનપેટીમાંથી રોકડ મળી કુલ રૂ. 1.21 લાખના મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે વિસનગર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના રાવળાપુરા ગામમાં આવેલા હરેશ્વર મહાદેવના મંદિરમાં ગામના ભાવિકનાથ તેજનાથ ગૌસ્વામી ગત તારીખ 16 ઓગસ્ટની રાત્રે મંદિરમાં ભજનનો કાર્યક્રમ પૂરો કરી મંદિરને લોક મારી ઘરે સુવા માટે ગયા હતા. જ્યાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અંદર રહેલા સવા કિલોના ચાંદીના નાગની તસ્કરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યાં સવારે આરતી કરવા આવેલા ભાવિકનાથ ગૌસ્વામીને મંદિરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળતા તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેની ગ્રામજનોને જાણ કરી હતી.
ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં પૂજા કરતા લક્ષમણગીરી મહાદેવપૂરી ગૌસ્વામીએ અંબાજી માતાના મંદિરમાંથી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જે મંદિરમાં ચાંદીના ત્રણ છત્તર અને ગોગા મહારાજના મંદિરમાંથી બે ચાંદીના છત્તર તેમજ દાન પેટીમાં રહેલા 1 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. જેમાં ત્રણેય મંદિરમાં મળી કુલ 1.21 લાખની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે આ બનાવને લઈ ગ્રામજનો ભેગા થતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરી ભાવિક નાથ ગૌસ્વામીએ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here