પ્રતિભા વંદના-13 : નિષ્ઠાવાન સમાજસેવક, નીડર, સ્પષ્ટ વક્તા સ્વ. વિક્રમભાઈ ધનજીભાઈ પટેલ

0
190

એ થનગનતા હૈયાને દિવાલ કેવી,
પગે શુંખલા જેને મન ઘૂંઘરું છે.

-શૂન્ય પાલનપુરી
ચાણસ્માના નીડર, સેવાભાવી, હિંમતવાન જુસ્સાભર્યા ખેડૂત પિતા ધનજીભાઈ શાંતિદાસ પટેલને ત્યાં તા . ૩૧-૫-૧૯૩૧ના રોજ વિક્રમભાઈનો જન્મ થયો. બાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવવાના કારણે માધ્યમિક શિક્ષણનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. આવા સંઘર્ષભર્યા જીવનથી તેમના ઘડતરને વધુ વાસ્તવલક્ષી બનાવ્યું. ગૃહસ્થ જીવન આર્થિક રીતે સ્થિર થતાં સને ૧૯૫૭થી જાહેર જીવનમાં સક્રિય થયા. અનૂઠી આત્મશ્રદ્ધાથી પોતાનો માર્ગ કંડારતા રહ્યા.

સને ૧૯૫૯ થી ૧૯૬૫ ..૧૯૭૪ સુધીના સમય દરમ્યાન ચાણસ્મા બરો મ્યુનિસિપાલિટીના સભ્ય અને ૧૯૮૧ થી ઉપપ્રમુખ પદે રહ્યા. સેવાભાવનાથી રાજકીય,સહકારી અને સામાજિક કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરતા રહ્યા. સને ૧૯૬૨ થી ૧૯૭૩ સુધી ચાણસ્મા સેવા સહકારી મંડળીની સક્રિય કામગીરીથી પ્રમુખસ્થાન શોભાવ્યું. ચાણસ્મા તાલુકા ખેત ઉત્પાદન સમિતિના ઉપપ્રમુખ તરીકે સન ૧૯૬૭ થી ૧૯૮૦ સુધીની કાર્યવાહી સુપેરે બજાવી. આપશ્રીએ ૧૯૭૪માં ચાણસ્મા કોમર્શિયલ બેન્કની સ્થાપનામાં ઊંડો રસ દાખવી તેના સ્થાપક પ્રમુખ તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું .

આ ઉપરાંત ચાણસ્મા ખરીદ – વેચાણ સંઘના ઉપપ્રમુખ તરીકે સક્રિય રહ્યા છો. પ્રજાનો પ્રેમ જીતી સને ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં કિ.મ.લો.પ પક્ષમાં ચૂંટણી જીતી રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું. આપના ધારાસભ્ય તરીકેના પરિપ્રેક્ષ્યમાં સને ૨૦૦૭ માં એમ.એલ.એ. કાઉન્સિલના શ્રેષ્ઠ સભ્ય તરીકે આપશ્રી ગુજરાતના ગવર્નરશ્રીના વરદ્ હસ્તે સન્માનિત થયા છો. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બૅન્કના ડિરેક્ટર પદને સોળ વર્ષ સુધી, જમીન વિકાસ બૅન્કના ડિરેક્ટર પદને આઠ વર્ષ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પદને બાર વર્ષ શોભાવી આ સંસ્થાઓને આપશ્રી સક્રિય સેવા આપી ચૂક્યા છો.

સામાજિક , સહકારી ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે પણ આપનો ઉત્સાહ આપને સને ૧૯૭૮ માં નવચેતન હાઈસ્કૂલના સ્થાપક સભ્ય સુધીની કાર્યવાહી સુધી દોરી ગયો, ચાણસ્મા કેળવણી મંડળના સક્રિય સભ્ય રહી સેવારત રહ્યા છો . આરોગ્ય ક્ષેત્રે પણ ચાણસ્માના મેડિકલ અને સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહમંત્રી તરીકે દીર્ઘ સમય સુધી જાગૃત, નિષ્ઠાવાન કાર્યકર તરીકેની આપશ્રીએ ઓળખ ઊભી કરી છે. શરૂઆતનાં પચાસ વર્ષની જાહેર જીવનની યશસ્વી કામગીરી બજાવતા રહી સને ૧૯૯૪માં ઊંઝામાં સ્થાયી નિવાસી બનતાં ઉમિયા માતા સંસ્થાનની પ્રવૃત્તિઓમાં સમર્પિત થયા.

આપશ્રી જે કાર્યમાં રસ લઈ કાર્યાન્વિત થાઓ તેમાં સમર્પિત થવાના સ્વભાવે આપ સને ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી માનદ્ મંત્રી પદે આરૂઢ થયા. દરમ્યાન ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના શિક્ષણનિધિના મંત્રી તરીકે રહી અભ્યાસપિપાસુ આર્થિક સહાયને યોગ્ય એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની કાર્યવાહીમાં આપનું ઉમદા યોગદાન મળતું રહ્યું છે. આપશ્રી ઉમિયા જ્યોતિરથના સહકન્વીનર તરીકે ભારત ભ્રમણ કરતા રહી સમગ્ર ભારતના ઉમિયાપ્રેમી સમાજના લોકોમાં આદરપાત્ર બન્યા છો. બહુચરાજી ખાતેના ઉમિયા પથિકાશ્રમની સક્રિય કામગીરીમાં સહભાગી થતા રહ્યા છો.

તથા ૨૦૦૦થી સિદ્ધપુર મુક્તિધામના ટ્રસ્ટી તરીકે સેવા આપી. આ બધી સંસ્થાઓમાં દાનનો પ્રવાહ અતૂટ અને વેગીલો રહે તેની સદા ખેવના આપશ્રી દ્વારા રખાઈ છે. આપશ્રીએ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન ગણપત વિદ્યાનગર , ખેરવાના ચેરમેન તરીકે સેવા આપી. ૨૦૦૧થી ઉમા પરિવાર ટ્રસ્ટ ખેરવાના ઉપપ્રમુખ,૨૦૧૧થી અંત સુધી પ્રમુખ તરીકેની સેવા નિભાવી. આમ વિદ્યાર્થીઓ માટે ઉમિયા પરિવાર છાત્રાલય માટેના માતબર દાન માટેનો સન્નિષ્ઠ પ્રયાસ ઉપયોગી થતો રહ્યો અને પ્રજાપ્રેમ પ્રાપ્ત કરવાની કુશળતા ઊભારતો રહ્યો છે. ઉમિયા માતાજીના શ્રદ્ધાબળ અને પ્રેમભર્યા સંબંધોના કારણે સ્વ. શ્રી કેશુભાઈ શેઠ, મણિભાઈ મમ્મી અને આપશ્રીની ત્રિપુટીએ સમાજના સર્વાંગી વિકાસ કરવાના અથાગ પ્રયત્નો કરી સમગ્ર ભારત અને દેશ – વિદેશના સમાજને સુગ્રથિત અને સુવ્યવસ્થિત આકાર આપ્યો છે, જે ચિરસ્મરણીય રહેશે. સને ૨૦૧૪થી ઉમિયાધામ હરિદ્વાર પ્રોજેક્ટના કન્વીનર તરીકે આ જૈફ વયે પણ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી માતબર દાન એકત્ર કરી નિયત પ્રોજેક્ટ પુર્ણ કરી યથા સમયે લોકાર્પણ કરાવેલ. જે સરાહનીય છે. આપશ્રીનું ચિંતન ઉમિયામય બનતું રહી આપનું અર્પણ – તર્પણ – સમર્પણ સમાજના યુવાનોને સુંદર માર્ગદર્શક અને પ્રેરક બની રહ્યું છે. આપની સાથે કામ કરનાર અને સહવાસમાં આવનાર સૌ જનો સાથે સાચી વાત દબાતે સાદે નીડરતાથી સચોટ રીતે રજૂ કરવાનો આપનો સ્થાયી ભાવ સહજ રીતે પ્રભુકૃપાથી ઊભરતો રહ્યો છે તે આપની નિરાળી વિશેષતા છે.

આપશ્રી કહેતા રહ્યા છો કે – ‘ એવાં કાર્યો કરો જેથી મૃત્યુ શરમાઈ જાય અને મોક્ષનો માર્ગ કંડારાઈ જાય.’ આપશ્રીએ લગભગ પચાસ જેટલી સંસ્થાઓમાં સેવા સુગંધ પ્રસરાવી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જેના કારણે આપની સેવાઓની કદરરૂપે આપશ્રીની શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખપદે ૨૦૧૭થી સર્વાનુમતે વરણી થવાથી ચાણસ્માને ગર્વાન્વિત કર્યું છે. તેનો આનંદ વ્યક્ત કરી આપશ્રીના સમાજ સમર્પિત ઉમદા વ્યક્તિત્વને બિરદાવતાં આપના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી આપનો જુસ્સો અને સદ્દકાર્ય તરફની રહી છે ત્યારે આપશ્રીએ ચાણસ્મા ગામની શાન ઉજાગર કરી વતન પરિવારને ગૌરવ અપાવ્યું છે. આપના છેલ્લા શ્વાસોની સાથે સાથે આપના હૃદયમાં મા ઉમિયાનું સ્મરણ નિરંતર વસતુ જ હશે. આવા પવિત્ર આત્માએ તા.”૨૯-૧૨-૨૦૧૭ને શુક્રવારના રોજ અમ વચ્ચેથી વિદાય લીધી.અને એમની ઇચ્છા મુજબ તેમનુ ‘દેહદાન’ કરાવી સમાજ સાચા અર્થમાં પ્રેરણા આપી એક ઉદાહરણ પુરુ પાડ્યું.” આમ અમારો એક સિતારો ખરી પડ્યો તેવી ભારે હૈયાલાગણી અનુભવવાનું અમ માટે શેષ રહ્યુ. સ્વ વિક્રમભાઈના પરિવારમાં તેમના દિકરા શ્રી અનિલભાઈ અને તેમનો પરિવાર છે .જે અમદાવાદ ખાતે રહીને રોટરી ક્લબમાં સક્રિય સભ્ય, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આપના પગલે યથા શક્તિ પોતાનું કર્મ કરી રહ્યાં છે.

જય ઉમિયા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here