દેત્રોજ રોડ ઉપર આવેલી સોસાયટીના 4 મકાનોના તાળા તૂટ્યા; 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર; CCTVમાં ચોરો કેદ

0
7

કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર તસ્કરોએ કડીમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો અને એક જ સોસાયટીમાં ચાર મકાનોના તાળા તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા એક જ સોસાયટીમાં એકીસાથે ચાર મકાનોના તાળા તોડી રૂ. 10,00,000થી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તસ્કરો સોસાયટીમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજનો કબજો મેળવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડીના દેત્રોજ રોડ ઉપર આવેલી વાત્સલ્ય સિટીમાં રહેતા સુશીલ શર્મા પ્રાઇવેટ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ કંપનીના કામે દિલ્હી ગયા હતા અને તેમના પત્ની તેમજ બાળકો પણ દિલ્હી બે દિવસ અગાઉ જ ગયા હતા. જ્યારે તેમના પાડોશીએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા મકાનનો દરવાજો તૂટેલી હાલતમાં છે. જેથી સુશીલે તપોવન સોસાયટીમાં રહેતા તેમના ભાઈને ફોન કરીને જાણ કરતા તેમના ભાઈ રાજકુમાર વાત્સલ્ય સીટી ખાતે આવી પહોંચ્યા હતા. ઘરમાં તપાસ કરતાં માલુમ થયું હતું કે, તેમના ભાઈના મકાનમાં ચોરી થઈ છે અને રાજકુમારે તેમના ભાઈ સુશીલને ચોરી થયાનું જણાવ્યું હતું. જ્યારે સુશીલે કહ્યું હતું કે, તેમના ઘરમાં રહેલી તિજોરીમાં સોના અને ચાંદીના દાગીના છે. જે બાબતે રાજકુમારે તલાશી કરતા તિજોરીમાં કઈ મળી ન આવ્યું હતું.
તિજોરીમાંથી સોનાના 2 હાર, સોનાના દોરા, સોનાની વીંટીઓ, સોનાની કાનની વાળી, ચાંદીની શેરો, સોનાના પેન્ડલ સહિત 16.5 તોલા સોનુ અને 520 ગ્રામ ચાંદીના દાગીના હતા, પરંતુ રાજકુમારે જણાવ્યું કે, અંદર કોઈ જ દાગીના નથી. જેથી સુશીલ અને તેના ભાઈ રાજકુમારને માલુમ થયું કે તેમના ઘરમાંથી કુલ રૂપિયા 9 લાખ 40 હજાર 500ની ચોરી થઈ છે. જે બાદ તેઓને માલુમ થયું હતું કે, તેમની સોસાયટીમાં અન્ય ત્રણ મકાનોના પણ તાળા તૂટ્યા છે.
જ્યાં ઉમંગભાઈ પટેલનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 53,300ના મુદ્દામાલની ચોરો તસ્કરી કરી ગયા હતા. તેમજ ભરતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલના ઘરે પણ દરવાજા તૂટેલી હાલતમાં છે, પરંતુ મકાન ખાલી હોવાથી તસ્કરોને કંઈ હાથે લાગ્યું ન હતું. વાત્સલ્ય સિટીમાં એકીસાથે ચાર મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં ટસ્કરો બે મકાનમાંથી રૂ. 10,27,080ના દાગીના અને રોકડ રકમની ચોરી કરી જતાં રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. સોસાયટીમાં લગાવેલ સીસીટીવીમાં તપાસ કરતાં ત્રણ તસ્કરો અલગ-અલગ મકાનમાંથી બહાર નીકળતા તેમજ અંદર બહાર આંટાફેરા મારતા નજરે પડ્યા હતા. જે બાદ કડી પોલીસે CCTVને આધારે ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here