દાહોદમાં બાંધકામ પ્રવૃત્તિ ફરી શરૂ થતા આર્થિક ગતિવિધિમાં તેજીનો સંચાર

0
3

દાહોદમાં છેલ્લા ત્રણ માસમાં ૧૪૩૯ મિલ્કતોના સોદા થયા, ૪૨૦ મિલ્કતો મહિલાઓના નામે નોંધાઇ

દાહોદ જિલ્લામાં એક વર્ષમાં ૯.૩૬ અરબની કિંમતની મિલ્કતોના સોદા થયા, રૂ. ૫૦ લાખથી વધુની કિંમતની ૪૨ મિલ્કતોનું ખરીદવેચાણ

આલેખન – દર્શન ત્રિવેદી
કોરોના વાયરસના સંક્રમણને પગલે અટકી પડેલી બહુધા આર્થિક ગતિવિધિઓમાં હવે ધીમેધીમે તેજ બની રહી છે. વિશેષતઃ અનેક લોકોને રોજગારી પૂરી પાડી રહેલા બાંધકામ વ્યવસાય શરૂ થતાની સાથે મિલ્કત ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દાહોદ જિલ્લામાં માત્ર છેલ્લા ત્રણ જ માસમાં ૧૪૩૯ મિલ્કતોના સોદા થયા છે. આ જ ત્રણ માસમાં ૪૨૦ મિલ્કતો મહિલાઓએ ખરીદ કરી છે. છેલ્લા ત્રણ માસમાં રાજ્ય સરકારને દસ્તાવેજોની નોંધણી માટે ડ્યુટી પેટે રૂ. ૪ કરોડની આવક થઇ છે.
દાહોદ જિલ્લાની વિશેષતા એ છે કે અહીંથી મોટા પ્રમાણમાં લોકો બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને રોજગારી માટે રાજ્યના અન્ય મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે. દાહોદમાં પણ કોરોના સંક્રમણના બીજી લહેરની સ્થિતિ હળવી પડતા રાજ્ય સરકારે હળવા કરેલા નિયંત્રણો બાદ બાંધકામ પ્રવૃત્તિમાં ગતિ આવી છે.
દાહોદ નગરમાં કોરોનાના કારણે બંધ પડેલા બાંધકામના નાનામોટા અનેક પ્રોજેક્ટ ફરી શરૂ થયા છે. જો કે, છેલ્લા ત્રણ માસમાં ત્રણ રહેણાંક અને એક બહુહેતુક બાંધકામની મંજૂરી લેવાઇ છે. પણ, એ પૂર્વે મંજૂર થયેલા પ્રોજેક્ટ પાટા ઉપર ચઢી ગયા છે. સમગ્ર દાહોદ જિલ્લામાં મિલ્કતની ખરીદ વેચાણની પ્રવૃત્તિ પણ જોરમાં આવી છે.
ખાસ કરીને દાહોદ નગરમાં ઝાલોદ રોડ ઉપર આઇટીઆઇની પાછળના વિસ્તારો, ગોદી રોડ, મંડાવ રોડ, દેલસર, ઉસરવાણ, છાપરી, ગરબાડા રોડ અને કસબા વિસ્તારમાં આવેલી મિલ્કતોના દસ્તાવેજો વિશેષ પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. મજાની વાત તો એ છે કે, રૂ. ૫૦ લાખની કિંમત હોય એવી ૪૨ મિલ્કતનો સોદા છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે. રૂ. ૯ અરબ અને ૩૬ કરોડની કિંમતની મિલ્કતોનું ખરીદ વેચાણ થયું છે.
નોંધણી નિરીક્ષક શ્રી એસ. એસ. હઠીલાએ કહ્યું કે, ગત મે-૨૦૨૦ માસથી મે-૨૦૨૧ સુધીના એક વર્ષમાં દાહોદ જિલ્લામાં કુલ ૭૬૧૦ મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થઇ છે. એની સ્ટેમ્પ ડ્યુટી પેટે રાજ્ય સરકારને રૂ. ૨૧,૦૦,૮૫,૩૧૫ની આવક થઇ છે. આ ઉપરાંત નોંધણી ફી પટે રૂ. ૩,૬૬,૯૯,૭૭૮ની આવક છે. મિલ્કતોની ખરીદીમાં દાહોદની મહિલાઓ પણ કંઇ પાછળ નથી. આ જ એક વર્ષમાં ૧૬૩૯ મહિલાઓના નામે મિલ્કતોની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકાર મહિલાઓના નામે ખરીદાતી મિલ્કતોના દસ્તાવેજોની નોંધણીમાં માફી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here