દાહોદની ૩ સહિત કુલ ૮ મોબાઇલ પશુદવાખાનાનું લોકાર્પણ કરતા પશુપાલન મંત્રીશ્રી બચુભાઇ ખાબડ

0
9

દાહોદની ૩ સહિત કુલ ૮ મોબાઇલ પશુદવાખાનાનું લોકાર્પણ કરતા પશુપાલન મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

પશુપાલન મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આજે દાહોદની ૩ સહિત કુલ ૮ મોબાઇલ પશુદવાખાનાનું દેવગઢ બારીયાના રમતગમત સંકુલ ખાતે લોકાર્પણ કર્યું હતું. દાહોદ જિલ્લામાં કાર્યરત ૧૪ મોબાઇલ પશુદવાખાનામાં હવેથી બીજા ૩ ઉમેરાવાથી કુલ ૧૭ પશુદવાખાનાઓનો લાભ જીલ્લાને મળશે. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે ત્યારે પશુપાલન એ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેનું ખૂબ અગત્યનું સાધન છે. ગુજરાતમાં અમૂલ્ય પશુધનના બચાવ માટે ફરતા પશુદવાખાના રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે દાહોદ જિલ્લાને નવા ૩ ફરતા પશુદવાખાના આપવામાં આવ્યા છે. જે સંજેલીના પીછોડા ગામ, ધાનપુરના નાકટી તેમજ દેવગઢ બારીયાના સાગટાળા ખાતે તેના મુખ્ય મથક રહેશે અને આસપાસના ગામોને તેના લાભ મળશે.
તેમણે ઉમેર્યું કે, દાહોદ ઉપરાંત અન્ય ચાર જિલ્લાઓને પાંચ ફરતા પશુદવાખાના ફાળવવામાં આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, વલસાડમાં એક-એક અને ભરૂચમાં ૨ ફરતા પશુદવાખાના ફાળવવામાં આવ્યા છે. ખેડૂતો માટે પશુધન અમૂલ્ય મૂડી છે. પશુઓને સમયસર સારવાર મળે તો તેમના જીવનનું રક્ષણ કરી શકાય છે. હવે માત્ર ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી અડધા કલાકમાં જિલ્લાના કોઇ પણ ગામના પશુપાલક આ ફરતા દવાખાનાની સેવા મેળવી શકશે. જેમાં પશુપાલકોને તેમના ઘરઆંગણે જ પશુઓના સોનોગ્રાફી જેવા નિદાનથી લઇને ઓપરેશન સહિતની સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના સંકલ્પને યોગ્ય વૈજ્ઞાનિક ઢબે પશુપાલન થકી સુપેરે પાર કરી શકાય છે. દાહોદ જિલ્લાના પશુપાલકોએ આ વાત સાચી પણ ઠેરવી છે. અત્યારે જિલ્લાનું દૂધ ઉત્પાદન ૩૧૩ લાખ લીટર સુધી પહોચ્યું છે. જે અગાઉ ૧૯૦ લાખ લીટર હતું. ખેડૂતો-પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સમૃદ્ધ ખેતી અને પશુપાલન થકી આપણે જિલ્લાની ઘણી સમસ્યાઓનું નિવારણ લાવી શકીએ છીએ.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, દેવગઢ બારીયા નગર પાલિકા પ્રમુખ સુશ્રી ચાર્મીબેન સોની, તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ સુશ્રી બામણીયા, રાજયના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર, અધિક પશુપાલન નિયામક ડો. કે.એ. વસાવા, ડીડીઓ શ્રી તેજસ પરમાર, પંચમહાલ ડેરીના નિયામક શ્રી ભરતસિંહ તેમજ જિલ્લાના અગ્રણીઓ, પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here