દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન વિષય પર પ્રેસ પરિસંવાદ યોજાયો

0
10

માહિતી નિયામકની કચેરી તેમજ પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, દાહોદનાં સયુક્ત ઉપક્રમે પ્રેસ પરિસંવાદ યોજાયો

શિક્ષણવિદ સુશ્રી ઇલાબેન દેસાઇએ દાહોદ જિલ્લામાં આઝાદી સમયનો માહોલ અને અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના પ્રદાન વિશે અમૂલ્ય માહિતી આપી

માનગઢ ખાતે અંગ્રેજો સામેના લોહિયાળ સંઘર્ષમાં ૧૫૦૦ થી વધુ આદિવાસીઓ એક જ દિવસે શહિદ થયા હતા

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વર્ષ ૧૯૧૯ અને વર્ષ ૧૯૩૧ માં ગાંધીજીએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી

આઝાદીનો અમૃત મહોત્સવ એ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવવાનો અવસર – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

દાહોદ, તા. ૨૩ : દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેના સભાખંડમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન વિષય પર એક પ્રેસ પરિસંવાદ યોજાયો હતો. માહિતી નિયામકની કચેરી તેમજ પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ પરિસંવાદમાં જાણીતાં શિક્ષણવિદ અને સમાજસેવિકા સુ શ્રી ઇલાબેન દેસાઇએ દાહોદ જિલ્લામાં આઝાદી સમયનો માહોલ અને અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના પ્રદાન વિશે વિગતે વાત કરી હતી.


અંગ્રેજોએ કઇ રીતે દેશમાં પોતાની સત્તા સ્થાપી એ વિશે વાત કરતા સુશ્રી ઇલાબેને જણાવ્યું કે, અંગ્રેજો વેપાર કરવાના ઇરાદે દેશમાં આવ્યા હતા, પરંતુ પોતાના રક્ષા અર્થે લાવેલા લશ્કરની મદદથી તેમણે ધીરે ધીરે દેશના અનેક પ્રદેશોનો કબજો જમાવ્યો. એ સમયે દેશનાં રાજાઓમાં એકતાનો અભાવ હતો તેનો અંગ્રેજોએ ભરપૂર લાભ લીધો અને પોતાની સત્તા સ્થાપી. અંગ્રેજો સામે અનેક રાજાઓએ લડાઇઓ લડી પરંતુ તેઓ એકલા જ લડી રહ્યાં હતા, તેમને અન્ય રાજાઓનો સાથ મળ્યો નહી.
તેમણે વર્ષ ૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ અંગ્રેજો સામેનો જોરદાર વિપ્લવ હતો. જેમાં અનેક સ્વાતંત્ર્ય વીરો શહીદ થયા. અંગ્રેજો ભીલવીરોને પોતાના લશ્કરમાં સામેલ કરતા નહોતા. ત્યાર બાદ વર્ષ ૧૮૬૪ પછીના વર્ષોમાં પણ અંગ્રેજો અનેક બળવાખોરોને દાબી દેવા વ્યાપક પગલા લીધા. વર્ષ ૧૮૫૭ ની ક્રાંતિથી દેશભરમાં સ્વાતંત્ર્ય માટે લોકજાગૃતિ આવી. જે સતત વધતી જ ગઇ.
તેમણે દાહોદ જિલ્લામાં કઇ રીતે આઝાદીનો જુવાળ પ્રસર્યો એ વિશે વાત કરતા જણાવ્યું કે, ગાંધીજી વર્ષ ૧૯૧૫ પછી દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે આંદોલન કર્યા પછી ભારત પરત આવ્યા હતા. અને દેશભરમાં પ્રવાસ બાદ ચંપારણ સત્યાગ્રહ આદર્યો હતો. ત્યાર બાદ તેમણે કરેલા સત્યાગ્રહોના આદિવાસી જિલ્લામાંથી મળી રહેલા પ્રતિભાવો જોતા તેમણે ઠક્કરબાપાને અહીંયા મોકલ્યા. દાહોદમાં પણ નવનીતભાઇ દેસાઇ સહિતનાં સ્વાતંત્ર્યવીરો આંદોલન ચલાવી રહ્યાં હતા. દાહોદનાં ગામે ગામ તેના પ્રત્યાઘાત મળી રહ્યાં હતા.
તેમણે દાહોદ જિલ્લાના સ્વાતંત્ર્યવીરો જેમને તેઓ રૂબરૂ મળ્યા હતા તેમના અનુભવ જણાવતા કહયું કે, દાહોદમાં સ્વાતંત્ર્ય માટે અનોખો જોસ્સો જોવા મળતો હતો. આ સ્વાતંત્ર્ય વીરો મરજીવા થઇને આંદોલનમાં ઝપલાવ્યું હતું. એ માટે તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું હતું. અંગ્રેજોના દમનનો કોઇ પાર નહોતો છતાં પણ સૌ કોઇએ હિંમતભેર તેનો સામનો કર્યો હતો.
આ પરિસંવાદમાં આઝાદીના અમૃત મહોત્સવનું મહાત્મ્ય સમજાવતાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ એ રાષ્ટ્રનિર્માણનો અવસર છે. દેશ અને રાષ્ટ્ર વચ્ચે બે મહત્વનાં તફાવત છે. દેશએ ભૌગોલિક પ્રદેશ સાથે જોડાયેલી વિભાવના છે જયારે રાષ્ટ્ર એ લોકોના મન સાથે જોડાયેલા ઐક્યની વિભાવના છે. હું ભારતીય છું એ રાષ્ટ્રભાવના આપણે રોપવાની છે.
તેમણે જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ એ હું પ્રથમ ભારતીય છું એ રાષ્ટ્રભાવના વિકસાવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આઝાદીના ૭૫ માં વર્ષે ૭૫ અઠવાડિયા સુધી આ કાર્યક્રમ યોજવામાં આવશે. કોઇ પણ પ્રદેશ, ધર્મ કે જાતિથી ઉપર ઉઠીને હું ભારતીય છું એ રાષ્ટ્રભાવના કેળવવાના ઉદ્દેશ સાથે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લામાં ઉજવવામાં આવનારા કાર્યક્રમો વિશે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માર્ચના શરૂ કરવામાં આવેલો અમૃત મહોત્સવ ૭૫ અઠવાડિયા સુધી ચાલશે. જિલ્લામાં આ નિમિત્તે ડીઆરડીએ કચેરી ખાતે પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સખીમંડળોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સખીમંડળોને લાભની વહેચણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત તા. ૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન પણ જિલ્લામાંયોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોમાં આઝાદીના અમૃત મહોત્સવને સામેલ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનનાં બીજા તબક્કામાં જિલ્લામાં ૧૦૦ દિવસીય સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં વ્યક્તિગત શોકપીટ તેમજ સામુહિક શોકપીટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે પણ એક અભિયાન સાથે કાર્યક્રમ યોજવામાં આવશે.
દાહોદ જિલ્લાના ઇતિહાસનાં અભ્યાસુ અને પત્રકાર શ્રી સચિન દેસાઇએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાનું પ્રદાન અનન્ય છે. તા. ૬ જુલાઇ, ૧૮૫૭ થી તા. ૧૧ જુલાઇ ૧૮૫૭ દરમિયાન દાહોદના ગડી કિલ્લા ખાતે અંગ્રેજોએ તાત્યાસાહેબને પકડવા ઘેરો ઘાલ્યો હતો. આ દિવસો દરમિયાન થયેલા લોહિયાળ સંઘર્ષને કારણે આ દિવસો કાળા દિવસો તરીકે જાણીતા છે. સરકારી ગેઝેટ પ્રમાણે આ સંઘર્ષમાં પકડાયેલા સ્વાતંત્ર્ય સૈનિકોમાંથી ૪ ને ટોપને નાળચે, ૬ ને ફાંસીને માંચડે અને ૧૫ જણાને આજીવન કેદ કરવામાં આવી હતી.
તેમણે માનગઢના લોહિયાળ સંઘર્ષ અને અનેક નરબંકાઓની શહાદત વિશે વાત કરતા જણાવ્યું કે, તા. ૧૭ નવેમ્બર, ૧૯૧૩માં થયેલા આ ભીષણ સંઘર્ષમાં એકજ દિવસમાં ૧૫૦૩ જેટલા આદિવાસીઓએ ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં અંગ્રેજો સામે શહીદ થયાં હતા.
આ ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વર્ષ ૧૯૧૯ અને વર્ષ ૧૯૩૧ માં ગાંધીજીએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમજ સરદાર પટેલે પણ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી તેનો શ્રી સચિનભાઇએ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોએ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રસપૂર્વક માણ્યો હતો.
આ પરિસંવાદમાં મધ્ય ગુજરાત ઝોનનાં સયુક્ત માહિતી નિયામક શ્રી ભાવસિંહ રાઠવા, નાયબ માહિતી નિયામક શ્રી બાબુ દેસાઇ, શ્રી સંજય શાહ સહિતનાં અધિકારીઓ તેમજ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here