એક કોરોના વોરિયરનો કોરોના કાળ. ડૉ સુરેન્દ્ર ગુપ્તા

0
198

હું ૩૨ વર્ષથી ફીજીશિયન તરીકે પ્રેકટીસ કરુ છું.પ્રેકટીસ સાથે સાથે સામાજીક/પર સેવાનાં કાર્યો પણ સતત ચાલતા રહે.જેમાં તન,મન,ધન,સમય,શકિત બધુંજ આપવાનું.
તા.૧૧ એપ્રિલ,રવિવારે હું સવારે ૧૦ વાગે હોસ્પિટલ રાઉન્ડ માટે તૈયાર થઇને બેઠેલો. અને આખું શરીર દુખવા લાગ્યું.પછી ગળું પકડાઇ ગયું.નાકેથી શરદી શરુ થઇ. હું સમજી ગયો કે આ કોરોના જ છે.કોઇપણ ટેસ્ટ વગર મેં દવા ચાલુ કરી દીધી. સાંજે તાવ પણ ચાલુ થઇ ગયો. કોરોના નુ ફૂલ પિક્ચર ડેવલપ થઇ ગયું. ઓક્સિજન લેવલ જોવું,ટેમ્પરેચર માપવું,વધારે પ્રવાહી લેવાનું એ બધું જ ચાલુ કરી દીધુ.
૨૦૨૦ના કોરોના કાળમાં અસંખ્ય દર્દીઓને‍ ઘેરબેઠા સારા કરેલા એ અનુભવ હતો. પરંતુ એ સ્ટ્રેઇન જુદી હતી.આટલી ઝેરી નહિ….ભયંકર નહિ…આટલો ભય નહિ…આટલા મૃત્યુ નહિ…યુવા-મૃત્યુ નહિ…!
૨૦૨૧ની વાઇરસની જાત-સેકન્ડ વેવની ભયાનકતા આપણે સતત જોઇ છે/જોઇ રહ્યા છીએ.ફિઝિશિયન તરીકે બધું જાણતો હતો તેથી છુપો ભય તો ખરો જ.સોમવારે RTPCR મોકલ્યો.પોઝિટિવ આવ્યો-આવવાનો જ હતો. એક થપ્પો લાગી ગયો.થોડુંક ટેન્શન વધ્યું પણ સ્વીકારવું જ રહ્યું.જંગ લડવો જ રહ્યો.
હું દ્રઢપણે માનું છું કે અત્યારે કોઈ પણ દર્દી કોરોના જેવાં લક્ષણો લઈને આવે તો બેઝીક ટેસ્ટ સિવાય બહુ કંઈ જ કર્યા વગર (RTPCR પણ નહીં)સીધી કોરોનાની ટ્રીટમેન્ટ કરી દેવી તદ્દન હિતાવહ છે.(પ્રેગ્નન્સી અને ફ્રેક્ચર સિવાય કોરોના બધું જ કરી શકે તે દરેકે ધ્યાનમાં રાખવું).
પહેલો દિવસ ગયો. રાઉન્ડ ધ કલોક Dolo-650 ટેબ્લેટ અને અન્ય દવાઓ ચાલુ રાખી.બીજા- ત્રીજા-ચોથા દિવસે તાવ આવ્યે રાખ્યો.
દિવસમાં દસવાર ઓક્સિજન/ટેમ્પરેચર જોતો.ઓક્સિજન ૯૫% પ્લસ રહેતું.ટેમ્પરેચર ૧૦૨ સુધીનુ…Back of mind માં છુપો ભય સતાવ્યા કરે.અને હા,ઘરમાં છ જણા – છ એ છ પોઝીટીવ…!!! બધાં પીડામાં…વડીલ તરીકે સહન કર્યું.કોઇને ફરિયાદ ના કરી,હિંમત આપી.
ચોથા દિવસે અન્ય તબીબ મિત્રો અને સિનિયર તબીબો સાથે ચર્ચા અને અનુભવ શેર કર્યા…અને Ramdasivir ઇન્જેક્શન ચાલુ કર્યા.રામબાણ ઇલાજ ગણીને.(આમાં ઘણાં મત-મતાંતર છે,આપવા- ના આપવા એ અંગે) છ ઇંજેકશન/૫ દિવસનો કોર્ષ.
એ દિવસે રાત્રે સુતો હતો અને બે ના ટકોરે જાગી જવાયું. ૧૦૨ તાવ અને ૯૨% ઓક્સિજન..! ધ્રુજારી છુટી ગઇ.દવાઓ લીધી. ઇષ્ટદેવ સિવાય કોઇને જાણ ના કરી. કલાક પછી તાવ ૯૯ અને ઓક્સિજન ૯૫% આવ્યું.હાશ થઇ..! ઇષ્ટદેવને મનોમન વંદન કર્યા.
૨૦૨૦માં કોરોનાના હજારો દર્દીઓ જોયેલા.સૌને હિંમત આપતો.મોટા ભાગનાં ઘેર બેઠા(હોમ કોરોન્ટાઇનમાં) સાજા પણ કરેલાં.પીપીઇ કીટ અને બધા Precautions સાથે દર્દીઓની તપાસ કરી.કયારેય કોઇ જ ભયની લાગણી નહિં.
અરે,આખું લોકડાઉન- જયારે મોટા ભાગના દવાખાના બંધ હતાં.મે સતત હોસ્પિટલ ચાલુ રાખેલી.જેના માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી સન્માનિત પણ થયેલો.
જયારે સરકાર તરફથી પ્રાઇવેટ ફિજીશીયનનોને કહેણ આવ્યુ તો સેવા આપવા સૌ પ્રથમ નામ મેં નોંધાવ્યું.કોઇ ભય કે દ્વિધા હતી જ નહિ.શાળાઓમાં માસ્ક વિતરણ,ગામડાઓમાં ફુડ વિતરણ,અન્ય કોરોના સેવાયજ્ઞોમાં બધીજ રીતનો સસ્નેહ સહયોગ આપ્યો.કુદરતી જ કોઇ ડર નહોતો.
પરંતુ એપ્રિલ-૨૦૨૧માં છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું.કોરોના વોરિયર ફિજીશીયન હવે કોરોના સંક્રમિત દર્દી હતો. સહદેવની જેમ બધું જાણતો હતો તેથી ૨૪ કલાકમાં એકાદવાર યમરાજની આદિકાલીન છબી પણ દેખાઇ જતી.
પાંચમો-છઠ્ઠો-સાતમો દિવસ. સાતમા દિવસે સાંજે તાવે વિદાય લિધી. ઘણું સારું લાગવા લાગ્યું.ઓક્સિજન પછી કયારેય ૯૬% નીચે ન ગયું.
આ દરમ્યાન મિત્રો,સ્નેહીઓ,દર્દીઓની શુભેચ્છાઓ અને દુઆઓ તો મળતી જ રહી.સૌની એકજ લાગણી…સાહેબ, તમે આટલી સેવા/સત્કર્મો કર્યા છે. લાખો લોકો (ગરીબો)નુ ભલુ કર્યું છે.સારા થઇ જશો.તમને કંઇ નહિ થાય.પોતાની ઉંમર/ઉંમરનો અમુક ભાગ પણ આપ્યો. સાતમા દિવસ પછી બધુ થાળે પડી ગયુ.માત્ર અસહ્ય નબળાઇ અને ખોરાક ન લેવાય.એ સિવાય બહુ તકલીફ નહિ. કમને ખાવાનું જોર રાખતો.
૧૦મા દિવસે (અને ૧૪મા દિવસે પણ) એવી અફવા ચાલી કે સાહેબને અમદાવાદ લઇ ગયા-વેન્ટિલેટર પર છે. અને છેલ્લે મૃત્યુ સુધીની વાતો ગુજરાત અને રાજસ્થાન (મારા ૪૦% દર્દીઓ બોર્ડરિંગ રાજસ્થાનના ખરા)માં ચાલી.મારા પર- મિત્રો-સ્નેહીઓ પર ઘણા બધા ફોન આવ્યા ખરાઇ કરવા…! મૃત્યુને રદિયો આપી તદ્દન તંદુરસ્તતાનો સ્ટેમ્પ માર્યો.હયાતી અને હેલ્થનો એક ઓડિયો અને વિડીયો બનાવી સોશિયલ મિડિયા પર મુકયો.શુભેચ્છકો સૌ ખુશ થયા.(ઇર્ષાળુઓ પણ કમને ખુશ થયા હશે એવુ માનુ છું)
મહિનો થયો.બધુ હેમખેમ પાર પડી ગયું.
પ્રભુ/મિત્રો/શુભેચ્છકો/દર્દીઓનો દિલપૂર્વક આભાર.
અને છેલ્લે થોડીક ગોલ્ડન ટિપ્સ અને તારણ…આ બીજા વેવ માટે..!!
શકય હોય ત્યાં સુધી બહાર ના નિકળશો..ન નિકળશો…ન નિકળશો…!!
વારો આવે ત્યારે વેકિસન અવશ્ય લેશો.
બહુ જૂજ ઘરો બાકાત હશે,બાકી બધેજ કોરોના નો કહેર છે.
ઘરમાં એકને થાય એટલે બીજા અથવા ઘરના બીજા બધાને થાય જ છે.
દવા-દુઆ તો ખરાજ પરંતુ રોગપ્રતિકારક શકિત સુપ્રિમ પાવર છે.તેને બીલ્ડ અપ કરો.

વાઇરસની આ Double mutant strain હવામાંથી ઘરમાં ઘુસીને પણ ચેપ લગાડે છે.

અંતે એટલુંજ કહીશ કે,

જીત પર હસતો રહ્યોને હાર પર હસતો રહ્યો,
ફુલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત! આટલી જીંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો ધાર પર હસતો રહ્યો….

આ ટેમ્પરામેન્ટથી થોડાક મહિનાઓ/કપરો કાળ કાઢવાના છે.

Take Care…
Be Safe…
Build Immunity…
Build Spirituality…

સૌ સારા વાનાં થશે.

  • આપનો
    ડો. સુરેન્દ્ર ગુપ્તા M.D.
    પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here