ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સરસ્વતી વિદ્યાલયમાં નર્મદા મુખ્ય નહેર આધારિત સિંચાઈ યોજનાનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું

0
0

‘એમની અંદર જે ઉકળાટ હતો એ કાઢવો પડશે ને અને એ કાઢશે તો કામ થશે, કોઈ નહીં બોલે તો કામ કેવી રીતે થશે’

આજરોજ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા નજીક સરસ્વતી વિદ્યાલયમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર બ્રાહ્મણવાડા ઉદ્દવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ રાજકીય નેતાઓ ઊંઝા મામલતદાર કિંજલ દેસાઈ, ઊંઝા તાલુકા વિકાસ અધિકારી, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ, ઊંઝા આજુબાજુ ગામડાઓના સરપંચ તેમજ તાલુકના સદસ્યોએ હાજરી આપી હતી. મા ઉમિયાના ધામ અને મસાલા માટે વિશ્વવિખ્યાત ઊંઝા ખાતે ગુજરાત મુખ્યમંત્રીના હસ્તે નર્મદા નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદ્‌વહન સિંચાઈ યોજનાનું તેમજ ઊંઝા ખાતે નવનિર્મિત સરદાર પટેલ ટાઉનહોલનું લોકાર્પણ યોજાયું.


આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરસભા સંબોધતા લોકોને જણાવ્યું હતું કે, હું જોઉ છું ક્યારના બધા શાંત બેઠા છે. કોઈ કામ બાકી હોય તો આપણે પુરૂ કરીશું ચિંતા ના કરતા. કશું કામ તમારુ બાકી નહીં રહેવા દઈએ. ત્યાં એક ખેડૂતે ઉભા થઈને સવાલ પુછતા CMએ હસતા હસતા તેમના સવાલનો જવાબ આપ્યો હતો. સાથે જાહેરસભાને જણાવતા કહ્યું એમની અંદર જે ઉકળાટ હતો એ કાઢવો પડશે ને અને એ કાઢશે તો કામ થશે. કોઈએ તો બોલવું પડશે ને આપણે, કોઈ નહીં બોલીએ તો કામ કેવી રીતે થશે. તેમ કહીં કામ કરી આપવાની હૈયાધારણા આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, જિલ્લા પ્રભારી વર્ષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો શહેર અને તાલુકાના આગેવાનો, ગ્રામજનો અને ખેડુતો ઉપસ્થિત રહ્યા. બ્રાહ્મણવાડા પાઇપલાઇનમાં માતપુર ખાતેના તળાવમાં પંપીંગ સ્ટેશન બનાવી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ 14.70 કિલોમીટર લંબાઇમાં 1.2 મીટર વ્યાસની એમ.એસ. પાઇપલાઇન દ્વારા ધરોઇ એક્ષટેન્ડેડ બ્રાન્ચ કેનાલ નંબર 4 અને 5માં 50 ક્યુસેક પાણી નાખી ઊંઝા અને પાટણ તાલુકાના ધરોઇ કમાન્ડ વિસ્તારમાં સમાવિષ્ટ 2400 એકર જમીનમાં પૂરક સિંચાઇ માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેનાથી મહેસાણા તથા પાટણ જિલ્લાના કુલ 3 તાલુકાના 12 ગામોને લાભ મળશે. મુખ્ય પાઇપલાઇનની બન્ને બાજુએ 2 કિલોમીટરની મર્યાદામાં આવતા કુલ 9 તળાવોની કુલ 11.70 કિલોમીટર ડીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ભરી આપી 1235 એકર જમીનને પૂરક સિંચાઇની સુવિધા ઉભી થશે. માતપુર ખાતેના પંપીંગ સ્ટેશન દ્વારા 50 ક્યુસેક્સ પાણી 1.2 મીટર વ્યાસની 14.70 કિલોમીટરની એમ.એસ. પાઇપલાઇન મારફતે 5 મીટર ઉંચાઇ સુધી ઉદ્વહન કરવામાં આવશે. આ યોજના થકી કુલ 3705 એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના થકી ધરોઇ કમાન્ડ વિસ્તારના પાટણ તાલુકાના નૅદ્રા, ડેર, દિયોદરડા, કમલીવાડા તથા ઊંઝા તાલુકાના બામણવાડા, મકતુપુર, સિંહી, ઉનાવા, વરવાડા, વિશોળ, લીંડી તથા વિસનગર તાલુકાના બોકરવાડા ગામોને પૂરક સિંચાઇ માટે પાણી આપી શકાશે. આ યોજના થકી પાઇપલાઇન નેટવર્ક દ્વારા તળાવો જોડાણ થવાથી પાટણ તાલુકાના રૂવાવી, વિસલવાસણા, કણી તથા ઊંઝા તાલુકાના ડાભી, સૂણોક, ટુંડાવ, મસ્તુપુર, વરવાડા, બ્રાહ્મણવાડા ગામોને પૂરક સિંચાઇ માટે પાણી આપી શકાશે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here