આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો

1
8

પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ તબીબી સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે
રાજ્યના ૮૦ લાખથી વધુ પરિવારોને આવરી લેવાશે

  • આરોગ્યરાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથાર

મેગા હેલ્થકેમ્પ અંતર્ગત સંજીવની રથમાં વિનામૂલ્યે પેપ સ્મિયર, મેમોગ્રાફી ટેસ્ટની સુવિધાઓનો લાભ અપાયો

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સુવિધાઓના નવીનીકરણ, અદ્યતનીકરણ, પ્રસ્તાવિત મેડિકલ કોલેજની સુવિધાઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓની સાથે બેઠક યોજતા મંત્રીશ્રી

     પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે, નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બીમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા ઉદ્દાત હેતુ સાથે રાજ્યભરમાં "આયુષ્માન આપ કે દ્વાર" અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના ૦૨ કરોડથી વધુ લાભાર્થીઓને  ૦૨ હજાર કરતા વધુ પ્રકારની, ૫ લાખ સુધીની સારવારની સુવિધા આપતા PMJAY-MA કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારે ગોધરા, સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પનાં ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. ૧૦૦ દિવસની ઉજવણી અંતર્ગત ૨૩મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ અભિયાન હેઠળ દરેક જિલ્લા-તાલુકા મથકોએ મેગા કેમ્પ કરીને રાજ્યના ૮૦ લાખથી વધુ પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આટલેથી જ સરકારે સંતોષ ન માનતા નાગરિકોને આ કાર્ડના માધ્યમથી હોસ્પિટલમાં દાખલ થવાથી શરૂ કરીને સારવાર મેળવવાનાં દરેક તબક્કે તાત્કાલિક સેવા મળે તે માટે ગ્રીન કોરિડોર વ્યવસ્થા પણ રાજ્યભરમાં ઉભી કરવામાં આવી રહી છે. 
  કેન્સર હોસ્પિટલ ખાતે ૭૫ કરોડના ખર્ચે નવા વસાવવામાં આવેલ રેડિયોથેરાપી મશીન, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નવી સુવિધાઓનું-અપડેશનનું  તેમજ રીનોવેશનના આયોજન વિશે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારની આરોગ્ય સુવિધાઓ આપવા, તેમાં સતત સુધારા કરવા કટિબધ્ધ છે. આ સેવાઓની ડિલિવરી વધુ અસરકારક અને લાભાર્થીઓને અનુકૂળ બનાવવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ આપવા, તબીબી સહિતના કારણોસર થમ્બ ઇમ્પ્રેશન અને આઇરિસ સ્કેનિંગ શક્ય ન હોય તેવા કિસ્સાઓમાં ઓટીપીના આધારે મા કાર્ડ ઈશ્યુ કરવા સહિતના જનહિતકારી પગલા સરકારે લીધા છે. ગોધરા ખાતે ૩૨૫ કરોડના ખર્ચે ૩૦૦ બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ પણ વહેલીતકે,  શક્યત આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા આ કોલેજનાં ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

૧૦૦ કરોડથી વધુ ડોઝ આપીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોરોના સામેની લડાઈમાં દેશ સતત આગેકૂચ કરી રહ્યો છે તેમ જણાવતા પંચમહાલ જિલ્લામાં પણ ૯૮ ટકા રસીકરણની સિધ્ધિ અંગે આનન્દ વ્યક્ત કર્યો હતો અને જેમને રસીના બંને પૈકી એક પણ ડોઝ લેવાના બાકી છે તેમને સમયસર રસી લઈ લેવા તેમજ ન્યુમોનિયા સામે રક્ષણ આપતી રસી બાળકોને વિનામૂલ્યે મુકવાની શરૂઆત થઈ છે ત્યારે આ રસી પણ માર્ગદર્શિકા અનુસાર મુકાવવા મંત્રીમહોદયાએ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ, સિલાઈ મશીન, વોકર, વ્હિલ ચેર, દિવ્યાંગતાના પ્રમાણપત્રો, પોષણ સહાય યોજના અંતર્ગત રૂ. ૩૦૦૦/-ના ચેક સહિતના લાભોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી દર્શાવનાર આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓને સન્માનપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટીબી નિર્મૂલન અભિયાન અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી (કેબિનેટ) ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારના વીડિયો સંદેશાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રીન કોરિડોર કેસ પેપરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેગા હેલ્થકેમ્પમાં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ, PMJAY-MA કાર્ડ માટેની નોંધણી, એ માટે જરૂરી આવકનો દાખલા સહિતની સુવિધાઓ તેમજ સંજીવની રથ મારફતે મહિલાઓમાં સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સરની તપાસ કરતા મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુન સિંહ બી. રાઠોડે સ્વાગત પ્રવચન કરતા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા પ્રમુખશ્રી સંજયભાઈ સોની, પૂર્વ સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જીએમઇઆરએસના સીઈઓ ડૉ. નાયક, આરડિડી ડૉ. બિપિન પાઠક, જીએમઇઆરએસ ગોધરાના ડીન ડૉ. વણિક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પીએમજેએવાય ડો. કાપડિયા, સીડીએમઓશ્રી ડૉ. મયુરીબેન શાહ, જનરલ હોસ્પિટલ ગોધરાના તબીબો સહિતના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here