ગાંધીધેલા ને ભૂદાન ચળવળના પ્રેમી એવા સરળ ભાવનાશીલ ચીમનભાઈ ભાવસારનું ઘર ગાંધીવિચાર આકર્ષિત વ્યક્તિઓનો અતિથિમેળો. આવા સત્ત્વશીલ વાતાવરણમાં લેબર ઑફિસર તરીકે કામ કરતા પિતા મધુભાઈ અને માતા ભાનુબેનને ત્યાં પુત્ર સંજયભાઈનો જન્મ થયો. ચાણસ્મા ગામના આ પનોતા પુત્ર મિકેનિકલ એન્જિનિયર થઈ જયારે સહાધ્યાયીઓ પરદેશ જઈ અર્થ સમૃદ્ધિ માટે વિચારતા હતા ત્યારે લક્ષ્મીપૂજાના બદલે ગ્રામલક્ષ્મીની પૂજાનો સંકલ્પ લઈ બેઠા . સત્ત્વશીલ વ્યક્તિઓનો સહવાસ અને વિમલાતાઈ , નારાયણ દેસાઈના સાંનિધ્યમાં યોજાતી શિબિરોનો પ્રભાવ સંજયભાઈમાં જોવા મળે છે. શુદ્ધ , સંવેદનાસભર , સત્ત્વશીલ સ્વપ્નાં સાકાર થયા વિના રહેતાં નથી એ ન્યાયે ‘ યત્ર વિશ્વ ભવતી એક નીડમ્ ‘ – સૂત્ર અનુસાર ચિત્તમાં વિશ્વગ્રામનાં સ્વપ્નાં આછાં આછાં આકાર ધારણ કરતાં હતાં તે જ અરસામાં સજીવ ખેતીના પ્રયોગો કરતાં ડૉ . ઇન્દુબહેન પટેલની કૉમર્સ ગ્રેજ્યુએટ પુત્રી તુલા સાથે આવા જ કોઈ કેમ્પમાં દોસ્તીનું બીજ વવાયું અને તુલા – સંજય એક થયાં. કૉલેજના છેલ્લા વર્ષમાં રેફ્રિજરેશન અંગેના એક પ્રોજેક્ટમાં કામ કરતાં ખરું ભારત તો ગામડામાં વસે છે એ વિચારે ‘ વિશ્વગ્રામ’ના વિચારનો પાયો નાખ્યો . શરૂઆત સંઘર્ષભર્યા દિવસોથી થઈ , દૃઢ વિચાર મંથનથી નીપજેલા નીમઘેલછા નવનીત દ્વારા આ બેલડીને આવાં જ ઘેલાંનો સહવાસ સાંપડતો રહ્યો અને માંડ એક હજારની વસ્તી ધરાવતા વિજાપુર તાલુકાના પેઢામલી ગામમાં જઈ વસવાટ કર્યો . પૈસાના બદલે પરસેવો પાડ્યો , ખનખનિયાના બદલે ખિલખિલ હાસ્ય વેરતા ચહેરાઓનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. અનેક હૂંફાળાં હૃદયોના સાથમાં કામ આગળ ચાલ્યું. પેઢામલીથી મહેસાણા પાસેના જગુદણમાં અને પછી મહેસાણા – વિસનગર રોડ પર બાસણા(પીલુદરા) ગામે ‘ વિશ્વગ્રામ ” સ્થિર થવા પામ્યું . વિશ્વગ્રામ એટલે સ્નેહગ્રામ, વિશ્વગ્રામ એટલે યુવાગ્રામ, વિશ્વગ્રામ એટલે કિતાબગ્રામ, વિશ્વગ્રામ એટલે કરુણાગ્રામ, વિશ્વગ્રામ એટલે શાંતિગ્રામ. આમ આ બુંદબુંદોના મેળાવડાએ નાના – શા ઝરણારૂપે વહી સર્વધર્મ સમભાવ, કરુણા અને કલ્યાણભાવનું સિંચન કરતું રહી અનેક પીડિતોને આશ્વાસન આપતું રહ્યું. જયાં જરૂર પડે ત્યાં દોડી જઈ શાંતભાવે બેસી જઈ કામ આરંભી દેવું એ ‘વિશ્વગ્રામ’ની ચેતનાનો ઘોષ છે. આવાં કામોમાં સરકારી ગ્રાન્ટ લેવી નહીં, ભ્રષ્ટાચારથી વેગળા રહી સમર્પિત વ્યક્તિઓનો સહકાર લઈ ચૂપચાપ કામ કરતા રહેવું એ મહામંત્રનું રટણ વિશ્વગ્રામ કરી રહ્યું છે. રેલવે સ્ટેશને ભીખ માગતાં કેટલાક બાળકો વિશ્વગ્રામમાં હૂંફ મેળવી રહ્યાં છે. કચ્છના ધરતીકંપની આપત્તિ હોય, સુનામીની તીવ્ર થપાટ હોય, કોમી આગની અગનઝાળ હોય, કાશ્મીરના ધરતીકંપની પીડા હોય કે હિમાલયનાં વર્ષા તાંડવો હોય, વિશ્વગ્રામની ચેતના સફાળી થઈ દોડી જ જાય. નરસિંહ મહેતાની હૂંડીની માફક સહધર્મીઓ, સ્વજનો , સહવાસીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી વિશ્વગ્રામનો સેવારથ વણથંભ્યો દોડતો રહે છે અને સંવેદનાસભર થઈ ‘વિશ્વગ્રામ’ મિત્રો દોડી જઈ મદદરૂપ થવામાં જરાય ઢીલ કે સંકોચ અનુભવતા નથી.
સામાન્ય સંજોગોમાં વિવિધ પાસાં ધરાવતી અનેકવિધ શિબિરો યોજી, પુસ્તક પરબ યોજી યુવાજાગૃતિ અને લોકજાગૃતિનું કામ કરતી આ સંસ્થા સંપૂર્ણ લોકઆધારિત છે.
વ્યક્તિ કે સંસ્થા પ્રામાણિક હોય એટલું પૂરતું નથી પણ પ્રામાણિક લાગવી જોઈએ એટલે હિસાબી ઓડિટ તો ખરું જ, સાથે સામાજિક , નૈતિક ચકાસણી યોગ્ય વ્યક્તિઓ દ્વારા થતી રહે છે. ‘વિશ્વગ્રામ’ સ્થળે શિબિર. આ બધું કરવા છતાં તુલા – સંજયનું નેતૃત્વ મોરપીંછ જેવું હલકું છે. દીકરી ગુલાલને આ દંપતી વિસરતાં નથી તે જીવન વિદ્યાપીઠમાં ઉછરી રહી છે. સંવેદનાસભર હૂંફ આપી ઉડવા પાંખ આપનાર દંપતી એ અનાથ બાળકોને જીવન જીવવાની આંખ પણ આપી છે.
તુલા – સંજયનો ખ્યાલ તેમના પછી સંસ્થાનું સુકાન ગુલાલને સોંપવાનો નથી પણ કોઈ આદર્શઘેલી યોગ્ય નેતૃત્વશક્તિ ધરાવતી વ્યક્તિ સંભાળે તેવો છે.
નિશાળના ઓરડામાં પડેલી તિરાડમાંથી માંડીને ઓઝોન પડમાં પડેલાં ગાબડાં સુધીની ચિંતા કરતી આ બેલડી અને સંસ્થા અનેક સન્માનોથી વિભૂષિત થઈ છે. તેમજ ( ૧ ) અંબાલાલ એવૉર્ડ ( ૨ ) ઇન્ડિયન મર્ચન્ટ્સ એસોસિયેશન – મુંબઈનો એવૉર્ડ ( ૩ ) અશોક ગોંધિયા એવૉર્ડ ( ૪ ) નીરૂભાઈ દેસાઈ સ્મૃતિ એવૉર્ડ ( ૫ ) જીગૃત જન અભિવાદન એવોર્ડ ( ૬ ) માનભાઈ ભટ્ટ સ્મારક એવૉર્ડ -૨૦૧૩ ( ૭ ) ધરતી રત્ન એવૉર્ડ -૨૦૧૪ ( ૮ ) ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સમાજ ઉત્કર્ષ એવૉર્ડ -૨૦૧૬ ( ૯ ) SRISTI GYTI GRASSROOT SANMAN – 2016 રાષ્ટ્રપતિ ભવન, ન્યૂ દિલ્હી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન વગેરે દ્વારા સન્માનિત કરાયાં છો. સતત જાગૃતિ માગતાં તેમનાં માનવતાસભર સેવાકાર્યો સુપેરે થતાં રહેતે શુભ ભાવનાઓ . જયપ્રકાશ નારાયણજી ના શબ્દોમાં કહું તો……
મંઝીલે વે અનગિનત હૈ,
ગન્તવ્ય ભી અભી દૂર હૈ.
રુકના નહીં મુઝ કો યહીં, જીતના માર્ગ હો.
નિજ કામના કુછ હૈ નહીં,
સબ સમર્પિત ઇશ કો.
——- આચમન—-
અત્તરિયા અત્તરના સોદા ન કીજિયે,
અત્તરિયા અત્તર તો એમનેમ દીજિયે.
દિલની દિલાવરીનો કરીએ વેપાર,
ભલે છોગાની ખોટ ખમી લીજિયે.
-બાલમુકુંદ દવે