પ્રતિભા વંદના-૧૭ સ્વ . જયશંકર કાળુરામ વ્યાસ

0
58

રહેજે શાંત,સંતોષે સદાય નિર્મળ ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહિ કહેજે.
-બાલા શંકર કંથારિયા

ચાણસ્માના કાનજી વ્યાસની કુટુંબ પરંપરામાં અને ૧૮૭૬માં શ્રી જયશંકરભાઈનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો. તેઓ ત્રણે ભાઈઓમાં સૌથી નાના હતા. માતા કાશીબા ખૂબ ધાર્મિક વૃત્તિનાં . કાશીબાએ છપનના ભયંકર દુકાળમાં દાનપુણ્ય કરી સૌનો પ્રેમ જીત્યો હતો. આ સંસ્કાર બીજ શ્રી જયશંકરભાઈના જીવનમાં મહોરી ઉઠેલું જણાય છે. પ્રાથમિક શિક્ષણ ચાણસ્મામાં જ મેળવી તલાટીની ત્રણ વર્ષની નોકરી કર્યા પછી મહારાષ્ટ્રના બડનેરામાં કાપડની મીલની નોકરી કરી. જબલપુરમાં સેલ્સમેનશીપનો અનુભવ મેળવી ઓરિસ્સા રાજયના કટક શહેરમાં કાપડનો વેપાર શરુ કર્યો. તે વખતે તેમની ઉંમર ૨૫ વર્ષની હતી, ત્યાં વેપારી તરીકેની પ્રતિષ્ઠા મેળવી ત્યાંના ગુજરાતી સમાજ અને મારવાડી સમાજમાં તેમના સુજનતાભર્યા વ્યવહારથી અને નાનાં મોટાં દાનોથી સારી એવી કીર્તિને પામ્યા.

જબલપુરમાં તેમણે દાન આપેલાં. ચાણસ્માના પ્રથમ બેરીસ્ટર શ્રી મોહનલાલ વ્યાસ સાથે સીનેઉદ્યોગમાં પણ અજમાયશ કરેલી. ઓરિસ્સામાં તેમના પુત્ર નટવરલાલ વ્યાસે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ જેલવાસ વેઠેલો. તેમના સાઈઠમા વર્ષે ૧૯૩૬માં પત્ની જીવીબહેનનું અવસાન થયું. આ પ્રસંગ પછી ધંધો રોજગાર તેમનાં સંતાનોને સોંપી ચાણસ્મામાં સ્થાયી થયા. ત્યારથી મૃત્યુપર્યત કેવળ દૂધ અને ફળનો જ આહાર લેતા રહી સાત્વિક જીવન જીવતા રહ્યા . ચાણસ્મામાં ૧૯૪૫ માં સ્વખર્ચે યજ્ઞ કરાવેલો . ચાણસ્મા અને અન્ય સ્થળોએ થતા યજ્ઞોમાં તેઓનું સક્રીય યોગદાન રહ્યું હતું. સંસારના સુખોને ગૌણ ગણનારા આ ગૃહસ્થી સન્યાસીએ સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં તન , મન અને ધનથી સક્રીયતા દાખવી છે. ચાણસ્મા કેળવણી મંડળના સ્થાપના સમય ૧૯૪૫ થી ૧૯૫૪ સુધી તેમના મૃત્યુપર્યત કેળવણી મંડળના પ્રમુખ રહી ચાણસ્માના માધ્યમિક શિક્ષણને વધુ વિસ્તારનારાઓમાંના એક રહ્યા. પુનમચંદ બાલમંદિરમાં સક્રીય રહી બાળકેળવણીને ઉત્તેજન આપતા રહ્યા.

તેમના ત્યાં ધર્મપ્રેમી અને સંસ્કારપ્રેમી સજજનો અને સાધુસંતો ખૂબ ખૂબ આદર સત્કાર પામતા. સૌ સાથે રહેતા છતાં તેમનું અતઃકરણ વૈરાગ્ય ભાવથી ભરેલું રહેતું . અમદાવાદ મુકામે ૫-૧૧-૧૯૫૪ના રોજ ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું. ઘસાઈને ઉજળા થઈએ તે તેમનો જીવતંત્ર હતો. આ સદ્દગત સાધુચરિતને પ્રણામ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here