પ્રતિભાવંદના-16: “સૌજન્યમૂર્તિ” સ્વ. સુરજમલ પુનમચંદ શાહ

0
66

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

– ભગવતીકુમાર શર્મા

પાટણ તાલુકાના બાલુવા ગામે સને ૧૯૦૫માં શ્રી સુરજમલભાઈનો જન્મ થયો વડવાઓનું મૂળ ગામ વડાવલી. છ ભાઈઓ અને એક બહેનના વડીલ એવા સુરજમલભાઈએ ચાણસ્મામાં ફોઈના ઘેર રહી શિક્ષણની શરૂઆતની કારકીર્દિ શરૂ કરી. પાટણમાં જૈન બોર્ડિંગમાં રહી મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવી વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા અને એડવોકેટ થઈ સોલિસીટરને ત્યાં નોકરી કરી બચત દ્વારા નાના ભાઈ ભાંડુઓને ભણાવ્યાં. મુંબઈ છોડી પાટણ આવ્યા અને પછી તો ચાણસ્મામાં જ વકીલાત કરી અહીં જ સ્થાયી થયા. શાળાજીવન દરમ્યાન વ્યાયામ પ્રવૃત્તિમાં ખૂબ રસ દાખવ્યો, તે સાથે જ સાહિત્યિક અને ધાર્મિક વૃત્તિ સેવતા રહ્યા, પાટણ જૈન બોર્ડિંગના ગૃહપતિ શ્રી ફૂલચંદભાઈની પ્રેરણાથી રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયા અને રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર બની ચાણસ્મા તાલુકા કોંગ્રેસના પ્રમુખ થયા. વિષમ સંજોગોમાં પણ કોંગ્રેસને વફાદાર રહ્યા.

તેમણે ચાણસ્મા કેળવણી મંડળના મંત્રી તરીકે ઘણાં વર્ષ સેવા બજાવી, તેઓ ચાણસ્મા પુનમચંદ બાલમંદિરના સ્થાપક ટ્રસ્ટી હતા અને વર્ષો સુધી તેના પ્રમુખ રહ્યા. ચાણસ્મા જૈન કેળવણી વિકાસ કેન્દ્રની સ્થાપનામાં તેમનું મહત્વનું પ્રદાન હતું. તેઓ ચાણસ્મા જૈન સંઘના અગ્રેસર રહ્યા.

તેઓ બાહોશ વકીલ તરીકે પ્રસિદ્ધિને પામ્યા પણ અદાના માણસની તકલીફો સમજી ગરીબ માણસોને મદદરૂપ થતા રહ્યા. ચાણસ્મા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે વરસો સુધી સેવા બજાવી. સૌજન્ય અને સહૃદયતા તેમનામાં સ્વભાવગત હતાં. સંપર્કમાં આવનારને પ્રેમ અને આદરથી ભીંજવી દેતા. પૂ. રવિશંકર મહારાજ, શ્રી બબલભાઈ મહેતા, ડૉ. દ્વારકાદાસ જોષી, શ્રી બાબુભાઈ શાહ ( ઝીલીયાવાળા ) સાથે આત્મીય સંબંધોથી જોડાઈ ગાંધી – વિનોબાની વિચારસરણીવાળી પ્રવૃત્તિઓમાં રસ લેતા થયા. તેમના સહવાસે તેમનાં ધર્મપત્ની શકરીબહેન ઝીલીયા આશ્રમનાં ટ્રસ્ટી અને તાલુકાનાં મહિલા કાર્યકર બની સેવા આપતાં રહ્યાં. તેમણે ચાણસ્મા નગર પંચાયતના સભ્ય રહી વરસો સુધી સેવા બજાવી.

તેઓશ્રી પુસ્તક પ્રેમી પણ હતા. તેમણે પોતાના જીવનમાં ગીતા અને શ્રી અરવિંદના તત્વજ્ઞાન સાથે જૈન દર્શનોના સુમેળ સાધ્યો હતો. તેમણે વડાવલીનાં વડેચી માતાના મંદિરના જર્ણોદ્વારમાં સક્રિય રસ લીધો હતો. તા. ૧૩-૫-૧૯૮૬ના રોજ તેમનો દેહવિલય થયો. દિવંગતની સેવાભાવના અને માયાળુ સ્વભાવ ચિરસ્મરણીય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here