ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર્સ શિબિરનો પાલનપુર ખાતે પ્રારંભ થયો

0
26

પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આજ થી એક
મહિના સુધી યોગ ટ્રેનર્સને તાલીમ આપી સજ્જ કરાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આજ થી એક મહિના સુધી યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામા આવ્યું છે. આ તાલીમ શિબિરનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો. દેશ અને દુનિયાનાં દરેક ખૂણાનો માનવી આજે યોગ તરફ દોરાઈને પોતાનાં સ્વાસ્થ્યની કાળજી રાખવા દોરાઈ રહ્યો છે ત્યારે જિલ્લાનો દરેક માનવ સમૂહ કોરોનાના કપરા સમયમા પોતાના તન અને મનની તંદુરસ્તી રાખીને યોગ સંસ્કૃતિમાં વધુ ને વધુ જોડાય તેવા ઊંડા અને ઉમદા આશયથી યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરમાં યોગ ટ્રેનર્સને એક મહિના સુધી યોગ કોચ શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ યોગની તાલીમ આપી સજ્જ કરશે સાથે જ યોગના લાભો વિશે પણ સમજાવશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, મહર્ષિ પંતજલિ જેવા દેશના અનેક ઋષિ-મુનિઓએ આપણા દેશના લોકોને એક વારસા તરીકે યોગ આપ્યો છે ત્યારે આપણે આ વ્યસ્ત અને દોડધામ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યની કાળજી રાખવા યોગનું મહત્વ સમજીએ અને યોગ કરીએ. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગના પ્રચાર-પ્રસાર માટે યુ.નો. માં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની દરખાસ્ત કરી હતી તેને માન્ય રાખી આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે. જેનાથી આપણી ગૌરવશાળી ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં જય જયકાર થઇ રહ્યો છે. તેમણે ઉમેર્યુ કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં ઇમ્યુનિટી વધારવા યોગ જ અકસીર ઇલાજ છે ત્યારે નિયમિત યોગ કરી તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનનું નિર્માણ કરીએ.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં સોળગામ લેઉવા પાટીદાર સમાજ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખશ્રી રમેશભાઇ એમ. પટેલે જણાવ્યું કે, રાજય સરકારના યોગ બોર્ડ એક મહિનાની યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન સ્વસ્તીક સ્કુલના કેમ્પસમાં કરવામાં આવ્યું છે. જેમાં તાલીમ લઇ તાલીમાર્થીઓ જિલ્લામાં વિવિધ જગ્યાએ લોકોને યોગની તાલીમ આપશે.

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ડાહ્યાભાઈ પિલીયાતર, શ્રી ભગુભાઇ કુગશીયા, શ્રી જયેશભાઇ દવે, શ્રી હિતુસિંહ ચૌહાણ, સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખશ્રી ગૌરાંગભાઇ પાધ્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની, સ્વસ્તીક શાળાના આચાર્યશ્રી, યોગ ટ્રેનર્સ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here