ગણપતિ મંદિરોને ફુલોની આંગી થી શણગારવા મા આવ્યા..
ઐઠોર ગણપતિ મંદિર પરિસર ખાતે સમૂહમાં પુજા આરતી સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..
પાટણ તા.22
સર્વ કાર્ય ની શુભ શરૂઆત જેનાથી કરવામાં આવે છે તેવા વિધ્નહર્તા દેવ ગણેશજીનાં પવિત્ર પવૅ સમા વેપારી ચતુર્થીને બુધવારના દિવસે ગણપતિ ધામ ઐઠોર અને પાટણ શહેર નાં વિવિધ ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનુ ધોડાપુર ઉમટ્યું હતું.
માગશર વદ ચોથના દિવસને વેપારી ચોથ અને સંકટ ચતુર્થી તરીકે પૂજનીય માનવામાં આવે છે . આજે સંકટ ચતુર્થીના દિવસે પ્રસિધ્ધ ઐઠોર ધામ સહિત શહેરના વિવિધ ગણપતિ દાદા ના સ્થાનકે ભગવાન શ્રી જી ની ફુલોની સુંદર આગી રચના કરવામાં આવી હતી .
સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આદિકાળથી સર્વદેવોમાં એકમાત્ર પાર્વતીપુત્ર ગજાનન સંકટ હર અને વિઘ્નહર્તા તરીકે પૂજાય છે . શિવ અને શકિતના સુભગ સમન્વયથી માગશર વદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનું પ્રાગટય થયુ હતું ત્યારે સર્વના સંકટ હરનાર દેવ હોવાથી આ દિવસને સંકટ ચતુર્થી અને વેપારી ચતુર્થી તરીકે પણ માનવામાં આવે છે .
ભગવાન ગણેશજીની કોઈપણ ચતુર્થીનું વ્રત કરવાથી તમામ સંકટો નું નિવારણ થાય છે . તેમજ ઘર પરીવાર અને ધંધા રોજગારમા સુખસંપત્તિ અને સમૃધ્ધિમાં વધારો થાય છે .
આજના પાવન દિવસે ઐઠોર ધામ સહિત પાટણ શહેરનાં હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલ સિધ્ધરાજ જયસિંહ સ્થાપીત પ્રાચીન સિધ્ધી વિનાયક ગણપતિ દાદાના મંદિરે દાદાની મૂર્તિને ફુલોની વિશિષ્ટ આંગીથી સુશોભીત કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભક્તોએ દાદા ના દર્શન કરી દાદાના આર્શીવાદ મેળવ્યા હતા .
શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલ પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ચતુર્થી નિમિત્તે શ્રધ્ધાળુ ભકતો દ્વારા દાદાના મંદિર પરીસરને આચ્છાદીત ફુલોથી સુશોભીત કરવામાં આવ્યું હતું તેમજ દાદાની મનોરમ્ય મૂર્તિને વિશિષ્ટ પ્રકારના પોશાકની ઝાંખી ગોઠવવામાં આવી હતી .
આ પ્રસંગે શ્રધ્ધાળુ ભકતોએ વિઘ્નહર્તા દેવના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.
તો ઐઠોર ગણપતિ મંદિર પરિસર ખાતે સમૂહમાં આરતી પુજન સહિત ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.