૦૦૦
રક્તપિત્ત અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.
૦૦૦
દાહોદ જિલ્લામાં સઘન રીતે “સ્પર્શ -લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” નો પ્રારંભ કરાયો છે ત્યારે રક્તપિત્ત શું છે, તેના લક્ષણો તેમજ સારવાર વિશે જાણવું જોઇએ. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ અડવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.
રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂ્ક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રકતપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ- અપંગતા અટકાવી શકાય છે.
રકતપિત્ત રોગના ચિન્હો-લક્ષણો જાણીએ. શરીરના કોઇપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુઃખાવો ન થવો.
રકતપિત્ત કોઇપણ તબકકે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
૦૦૦