ભર શિયાળે માવઠુ થતાં એરંડા, બીટી કપાસ, અજમો અને સુવા જેવા વાવેતરમાં ભારે નુકસાન…
પાટણ તા.21
પાટણ જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી વરસાદ નાં કારણે જિલ્લાના ચાણસ્મા સહિત પંથકમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા એરંડા, બીટી કપાસ, અજમો અને સુવાના વાવેતર વાળા ખેતરમાં પાણી ભરાઇ જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. માવઠાથી પાકમાં થયેલા નુકશાન સંદર્ભે ખેડૂતોએ સરકાર પાસે સહાય મળે તેવી માંગ કરી છે.
પાટણ જિલ્લા માં ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિ તેમજ વધારે વરસાદના કારણે ખેડૂતોને ખેતી બગડી હતી અને ઓછામાં પૂરું થોડી ઘણી આશા ચોમાસુ પછીના ખરીફ પાકમાં હતી તેમાં પણ કમોસમી માવઠુ થતા ખેડૂતોને હાલના પાકોમાં નુકસાન થતાં પડતા ઉપર પાટું પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ચાણસ્મા પંથકના ખેડૂતોએ સરકાર પાસે તેમને થયેલા ખેતી પાકો નાં નુકસાનમાં સહાય કરવામા આવે તેવી માંગ કરી હોવાનું જણાવ્યું હતું.