………………..
શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલનમાં રહી ઘનિષ્ઠ સર્વેલન્સમાં સહયોગ આપવા કરવામાં આવી અપીલ
પાટણ
પાટણ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલાના આધારે કાબુમાં લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમાર દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
શરદી, ખાંસી અને તાવ જેવા હળવા લક્ષણો ઓળખી નાગરિકોને હોમ આઈસોલેશન સાથે ત્વરીત પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પાટણ શહેરના વોર્ડ વાઈઝ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી છે. શહેરના ૧૧ વોર્ડમાં ૨૯ જેટલી સર્વેલન્સ ટીમો ઉપરાંત ધન્વંતરી રથ પણ મૂકવામાં આવ્યા છે ત્યારે મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમાર દ્વારા આ સર્વેલન્સ ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સરળતાથી ફરજ બજાવી શકે તથા શહેરીજનોનો સંપર્ક સાધી તેમની આરોગ્યલક્ષી તપાસ કરી શકે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
શહેરમાં ઘનિષ્ઠ સર્વેલન્સ કરી શકાય તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓને વોર્ડવાઈઝ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સર્વેલન્સ ટીમોને શહેરી વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સરવે માટે આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન ઉપરાંત જરૂર પડ્યે ટ્રીટમેન્ટ કીટ તથા સર્વેલન્સ ટીમને એનર્જી ડ્રીંક ઉપલબ્ધ કરાવવા સહિતની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌરાંગ પરમાર, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, આર.બી.એ.કે. મેડિકલ ઓફિસર્સ તથા સર્વેલન્સ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ