હાથમાં તિરંગો ધ્વજ લઈ કૂચ કરતા BSF ના જવાનોએ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’માં જોડાવા નાગરિકોને કરી અપીલ
(માહિતી બ્યુરો, પાલનપુર)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા અભિયાન’’ શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે.
ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશની સીમા સરહદ નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનો હાથમાં તિરંગો લઈ કુચ કરતા નજરે પડી રહ્યા છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે તેઓ નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે ૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી.એસ.એફ.ના પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘‘સીમા દર્શન પ્રોજેક્ટ’’નું તાજેતરમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યુ હતું. ભારત-પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળે છે જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. દેશની સ્વતંત્રતાનો મહાપર્વ નજીકમાં છે અને હાલમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા દેશવાસીઓને આઝાદીની ઉજવણીમાં જોડવાનો અભિનવ પ્રયાસ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે લોકો હરઘર તિરંગા ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે. અગાઉ ધ્વજનો ઉપયોગ માત્ર સંસ્થાકીય કાર્યો અને ઔપચારિક પ્રસંગો માટે થતો હતો. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ શકશે. આ અભિયાન લોકોને આપણા રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃત કરવામાં મદદ કરશે. ૨૨ જુલાઈ-૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમના મતે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જશે અને લોકોમાં રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે પણ જાગૃતિ ફેલાવશે. આ ઝુંબેશ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભારતીય ૧૫ મી ઓગષ્ટેા પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે. આ અભિયાન અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ધ્વજવંદન કરવા અનુરોધ કરાયો છે. જેના ભાગરૂપે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાનો, ઘરો, ઇમારતો એમ તમામ સ્થળોએ તિરંગો ફરકાવી લોકો પોતાની દેશભક્તિ વ્યકત કરી શકશે.