બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી.પી.જે.ચૌધરીએ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકાર્યા..
આજ રોજ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે MBBS ના વિદ્યાર્થીઓનું ઓરિએન્ટેશન અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મેડિકલ ક્ષેત્રે પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી તિલક કરીને કરવામાં આવી હતી. બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરી, CEO ડૉ. સતીષ પાનસુરીયા, ડીન ડૉ. પ્રીતિબેન જૈન સહીત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને વિધાર્થીઓ સહિત વાલીગણને બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી તમામને આવકારવામાં આવ્યા હતા. બનાસ મેડિકલ કોલેજ સ્થિત ઓડીટોરીયમ હોલ ખાતે વિધાર્થીઓની સાથે તેમના વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સ્વ. ગલબાભાઈ પટેલના સ્વપ્નોને ઉજાગર કરતા બનાસ ડેરીના સફળ સુકાની શ્રી શંકરભાઈ ચૌધરીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ આજે વટવૃક્ષ સમાન ગલબાભાઈ ટ્રસ્ટ વિવિધ આયામ સુધી પહોંચ્યું છે. આજે બનાસ ડેરી એક મહિનામાં લગભગ ૯૨૫ કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરી રહી છે. આજે રૂરલ ડેવલોપમેન્ટ, ટેક હોમ રાશન, ઓઇલ પેકિંગ, મધનો વ્યવસાય , ગોબરગેસ પ્લાન્ટ , પોટેટો પ્રોસેસિંગ થકી બનાસ ડેરીના માધ્યમથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે. આજે બનાસ ડેરી લાખો પરિવારના રોજગારીનું કારણ બની છે. આજે બનાસ મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ માટે ઈન્ટરનેશનલ કક્ષાની ફેકલ્ટી ઉપલબ્ધ છે. અહીં નિયમો અને શિસ્તનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આજે ઓરિએન્ટેશન કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના નીતિ-નિયમો, ફરજો અને જવાબદારી, નિયમિતતા, દર્દીની સાર-સંભાળ, સંશોધન તેમજ મેડીકલ ફિલ્ડને સંલગ્ન વિવિધ મુદ્દાઓ વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી. તેમણે વિધાર્થીઓને જણાવ્યું હતું કે તમારા માતાપિતાની વર્ષોની તપસ્યા અને મહેનતના ફળ થકી તમે ભવિષ્યના ડૉકટર બનવા જઈ રહ્યા છો. માતાપિતા તરફથી મળેલ હૂંફ અને પ્રેમની સાથે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, સાચી દિશામાં ટાઈમ મેનેજમેન્ટ થકી નીતિ,ધર્મ, કર્મ અને પ્રામાણિકતાથી આગળ વધવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. અહીં નોધનીય છે કે બનાસકાંઠા જિલ્લાની સૌપ્રથમ બનાસ મેડિકલ કોલેજ આજે અભ્યાસ માટે આધુનિક સુવિધાઓ ધરાવે છે.
આજના આ પ્રસંગે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલ જોશી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિશાંત ભીમાણી, એડિશનલ ડીન ડૉ. આનંદ મહિન્દ્રા, નોડલ ઓફિસર ડૉ. પ્રેમારામ ચૌધરી સહિત તમામ વિભાગીય વડા તથા મેડિકલ કોલેજનો સ્ટાફ, વાલીગણ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.